આચાર્યએ સ્ટાફની છેડતી કર્યાની ટ્રસ્ટીઓને જાણ કરી તો મને નોકરીમાંથી કાઢી મૂકી : મહિલા અધ્યાપકનો આક્ષેપ

- text


મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજની પૂર્વ મહિલા અધ્યાપકે ન્યાયની માંગણી સાથે કલેક્ટરને કરી રજૂઆત

મહિલા અધ્યાપકને છુટ્ટા કરાયા હોવાથી ખોટા આરોપો લગાવ્યાનો ટ્રસ્ટીનો જવાબ

મોરબી : મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજના મહિલા અધ્યાપક સાથે કોલેજના જ આચાર્ય કમલેશ ભોરણીયાએ છેડતી કરી હોવાનો આરોપ અન્ય પૂર્વ મહિલા અધ્યાપકે લગાવ્યો છે અને આ મામલે આચાર્યને ટ્રસ્ટીઓ છાવરતા હોય આ અંગે યોગ્ય પગલાં ભરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

કલેક્ટરને આવેદનપત્ર આપનાર કોલેજના પૂર્વ મહિલા અધ્યાપક ડો. ધર્મિષ્ઠા પટેલે જણાવ્યું હતું કે, હું શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજની કન્યા છાત્રાલયમાં 10 વર્ષથી નોકરી કરતી હતી. જે-તે વખતે હું કોલેજમાં નોકરી કરતી હતી તે વખતે કમલેશ ભોરણીયાએ મારા સાથી મહિલા અધ્યાપકની છેડતી કરી હતી. જેના પુરાવા મહિલા અધ્યાપકે મને આપ્યા હતા. જેથી આ બાબતની જાણ મેં ટ્રસ્ટીઓને કરી હતી અને જણાવ્યું હતુ કે કેમ્પસમાં આવું બની રહ્યું છે જે યોગ્ય નથી. જો કે આ બાબતે ટ્રસ્ટીઓએ પગલાં લેવાના બદલે મારું અપમાન કરીને મને નવા સત્રની શરૂઆત થતાની સાથે નોકરી માંથી કાઢી મૂકી હતી. ટ્રસ્ટીઓએ આર્ચાય સામે પગલાં લેવાની જગ્યાએ મને નોકરી માંથી કાઢી મારી સાથે અન્યાય થઈ રહ્યો છે આ મામલે મહિલા અધ્યાપકે ગૃહ વિભાગ, પોલીસ ખાતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અરજી કરી આચાર્ય સહિતના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.


શિક્ષકાની કામગીરી યોગ્ય ન હોવાથી છૂટા કરાયા, તેમના આક્ષેપો ખોટા છે : ટ્રસ્ટી

ટ્રસ્ટી બેચરભાઈ હોથીએ અધ્યાપકને છુટ્ટા કરવા મામલે જણાવ્યું હતું કે, તેમનું કામ સંતોષકારક ન હોય કમિટીએ તેમને નોકરીમાંથી છુટ્ટા કરી દેવાનો નિર્ણય લીધો હતો. છેડતીના આરોપો અંગે ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, જે બહેન સાથે છેડતી થઈ છે તે પણ આ બાબતે કાંઈ લેવા દેવા ન હોવાનું જણાવી રહ્યા છે. તેમણે પોલીસને પણ નિવેદન આપ્યું છે કે, આમાં મારે કાંઈ લેવા દેવા નથી. આક્ષેપો સંપૂર્ણ ખોટા છે. આ અધ્યાપકને અમે છુટ્ટા કર્યા એટલે અમને હેરાન કરવા માટે આ આરોપો લગાવી રહ્યા છે.

- text


- text