વિશ્વ પોલિયો દિવસ : એક સ્વસ્થ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા

પોલિયોથી બચવાની સૌથી સરળ અને અસરકારક રીત એ છે કે બાળકોને પોલિયોની રસી આપવામાં આવે

મોરબી : વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય પોલિયો રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને આ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના પ્રયાસોને વેગ આપવાનો છે.


પોલીયો શું છે?

પોલીયોને પોલીયોમાઈલાઈટીસના નામે ઓળખવામાં આવે છે. જે પોલીયો વાયરસના સંક્રમણના કારણે થાય છે, જે કરોડરજ્જુની ચેતાને અસર કરે છે. આનાથી લકવો થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. પોલિયો વાયરસ પહેલા તમારા ગળામાં અને પછી તમારા આંતરડાને સંક્રમિત કરે છે. જેના કારણે ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. આ પછી ચેપ તમારા મગજ અને કરોડરજ્જુને લાગે છે. આ એક ચેપી રોગ છે, જે એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાઈ શકે છે.


પોલીયો કેવી રીતે ફેલાય છે?

– ગંદુ પાણી પીવું કે તેમાં ભોજન બનાવવું
– ટોયલેટ જઈને સરખા હાથ ન ધોવા
– સંક્રમિત વ્યક્તિના થૂંક, લાળ લે મળના સંપર્કમાં આવવું
– ગંદા પાણીમાં સ્વિમિંગ કરવું
– ખરાબ ભોજન જમવાથી


પોલીયોના લક્ષણ શું છે?

તાવ, સુકુ ગળું, માથામાં દુખાવો, પેટનો દુખાવો, ઝાડા-ઉલટી, થાક, માંસપેશીઓમાં જકડન, હાથ કે પગને હલાવવામાં તકલીફ, લકવા જેવા લક્ષણો જોવા મળે છે.


પોલિયોથી કેવી રીતે બચી શકાય?

પોલિયોથી બચવાની સૌથી સરળ અને અસરકારક રીત એ છે કે બાળકોને પોલિયોની રસી આપવામાં આવે. આ રસી બાળકને પોલિયો વાયરસ સામે રક્ષણ આપે છે અને રોગને ફેલાતો અટકાવે છે.


વિશ્વ પોલિયો દિવસની મહત્વતા

* જાગૃતિ ફેલાવવી: આ દિવસ લોકોને પોલિયોના જોખમ વિશે જાગૃત કરવામાં મદદ કરે છે.
* રસીકરણને પ્રોત્સાહન આપવું: આ દિવસ દરમિયાન લોકોને પોતાના બાળકોને પોલિયોની રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
* સંશોધનને પ્રોત્સાહન આપવું: પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે નવા સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે છે.
* સહકાર વધારવા: વિશ્વભરના દેશોને પોલિયો નાબૂદીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.


WHOના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના અન્ય 10 દેશો સાથે ભારતને 27મી માર્ચ, 2014ના રોજ પોલિયો મુક્ત પ્રમાણિત કરવામાં આવ્યું હતું. દેશમાં પોલિયોનો છેલ્લો કેસ 13મી જાન્યુઆરી, 2011ના રોજ પશ્ચિમ બંગાળના હાવડામાંથી નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે, પોલિયો હજુ પણ બે દેશો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સ્થાનિક છે. પોલિયો મુક્ત વિશ્વ એ આપણા બધાનું સપનું છે. આપણે બધાએ મળીને આ સપનું સાકાર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ.