મોરબીમાં કેડા ગ્રુપ ઉપર ડીજીજીઆઇ-ઇન્કમટેક્સના દરોડા 

- text


ગઈકાલે શરૂ થયેલા દરોડામાં ઇન્કમટેક્સે પણ ઝુકાવ્યું 

મોરબી : મોરબીમાં સીરામીક ફેકટરીઓને ઇન્ક, રો-મટીરીયલ, સ્પેરપાર્ટ્સ અને એબ્રેસિવ સહિતનું મટીરીયલ પૂરું પાડતી ચાઈનાની પ્રખ્યાત કેડા ગ્રુપ કંપનીના ડીલરોને ત્યાં ગઈકાલથી ડીજીજીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ ઈન્કમટેકસે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં કેડા ગ્રુપનું મુખ્ય વેરહાઉસ કંડલા રોડ ઉપર ભરતનગર નજીક આવેલ હોવાનું જાણવા મળે છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક હબ મોરબીમાં દિવાળીના તહેવાર ટાઈમે જ ગઈકાલથી સેન્ટ્રલ જીએસટીની ડીજીજીઆઇની ટીમો દ્વારા કેડા ગ્રુપ સાથે સંકળાયેલ કંપનીઓ અને ડીલરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને ચારેક સ્થળે તપાસ ચાલુ હોવાનું જાણવા મળે છે. વધુમાં મોરબીના સીરામીક ઉદ્યોગને કેડા ગ્રુપ દ્વારા મોટાપાયે રો-મટીરીયલ, ઇન્ક, સ્પેરપાર્ટ્સ અને એબ્રેસિવ સહિતનું મટીરીયલ વેચાણ કરવામાં આવતું હોય ટેક્સ ચોરીના ઈન્પુટના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text

સૂત્રોના જણાવ્યા મુજબ કેડા કંપની ચાઈનાની છે અને સીરામીક ઇન્ડસ્ટ્રીઝને લગતું મટીરીયલ સપ્લાય કરવામાં ટોચનું સ્થાન ધરાવે છે, કેડા ગ્રુપની ઇન્ક તેમજ એબ્રેસિવ અને અન્ય સ્પેરપાર્ટ સપ્લાય માટે મોરબીના મોટામાથાઓ ડીલર હોય ડીજીજીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ ઈન્કમટેકસે પણ તપાસમાં ઝુકાવ્યું હોય કરોડો રૂપિયાની કરચોરી ઝડપાવાની શક્યતા જોવાઈ રહી છે.

- text