મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લીલા દુષ્કાળનો મુદ્દો ગાજ્યો

- text


કોંગ્રેસના સભ્ય ભુપતભાઈ ગોધાણી દ્વારા વિવિધ 8 પ્રશ્નો પૂછવામાં આવ્યા

મોરબી : આજ રોજ તારીખ 23 ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપના પ્રમુખ સહિતના 12 અને કોંગ્રેસના 5 સભ્યો હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં જુદા-જુદા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. પ્રશ્નોતરી દરમિયાન એકમાત્ર કોંગ્રેસના ભુપતભાઈ ગોધાણીએ 8 પ્રશ્નો પુછ્યા હતા. જેના જવાબો રજૂ કરવામાં આવ્યા હતા.

ભુપતભાઈ ગોધાણીએ વરસાદ બાદ રોડ રસ્તાના કામો અંગે પ્રશ્ન પુછ્યો હતો. જેના જવાબમાં જણાવાયું હતું કે, જિલ્લા પંચાયત હસ્તકના 42 કિલોમીટરના રસ્તામાં ખાડા પડી ગયા હતા. જેમાંથી 28 કિલોમીટરના રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને દિવાળી સુધીમાં બાકીનું કામ પણ થઈ જશે.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોનું દેવું માફ કરવાનો ઠરાવ કરવાની માગ ભૂપતભાઈ ગોધાણી દ્વારા કરાઈ હતી. આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી ગયા હતા. ભાજપના સભ્યોએ કહ્યું હતું કે, અતિવૃષ્ટિ મુદ્દે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેથી આ મુદ્દાને રાજકીય રૂપ આપવામાં ન આવે. વીજપોલનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. જેના જવાબમાં ડીડીઓએ જણાવ્યું હતું કે આ મામલે સર્વે હાલ ચાલુ છે.

આ ઉપરાંત ભુપતભાઈ ગોધાણીએ મોરબી જિલ્લામાં આવેલી આંગણવાડીની સ્થિતિ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, મોરબી જિલ્લામાં 761 આંગણવાડી છે જેમાંથી 61 આંગણવાડી બેસવા લાયક નથી. 165 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે અને 135ની દરખાસ્ત કરવામાં આવી છે. 21 આંગણવાડીમાં પાણીની વ્યવસ્થા ન હોવાનું પણ જણાવ્યું હતું. ડીડીઓએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં જમીન ન મળતી હોવાથી ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે બાકી ગ્રામ્ય વિસ્તારમાં ભાડાના મકાનમાં આંગણવાડી ઓછી ચાલી રહી છે.

આ ઉપરાંત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ઈકેવાયસીનું કામ શિક્ષકો પાસેથી કરાવવામાં આવી રહ્યું છે તે અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેમાં ડીડીઓએ જણાવ્યું હતું કે, આ કામ વિદ્યાર્થીઓના હિત માટે છે. આ ઉપરાંત આઉટ સોર્સિંગના કર્મચારીઓને ત્રણ-ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો તે અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, એજન્સીને સૂચના આપવામાં આવી છે અને દિવાળી પહેલા પગાર ચુકવી દેવામાં આવશે.

સામાન્ય સભામાં ડીડીઓએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી મોરબી જિલ્લામાંથી મેરિટના આધારે યુપીએસસીની તૈયારી કરવા માટે ધોરણ 12 પૂર્ણ કરીને કોલેજમાં પ્રવેશ લેનાર 15 વિદ્યાર્થીઓને 15-15 હજારની સ્કોલરશિપ આપવામાં આવશે. આ ઉપરાંત નેશનલ એવોર્ડ માટે નોમિનેટ થનાર વાગડ ગામને 4 લાખ ફાળવવામાં આવ્યા છે. સાથે જ કલ્યાણપર ગામનો નગરપાલિકામાં ન ભળવા માટે જે વિરોધ છે તેમાં ગ્રામ પંચાયત જે નક્કી કરે તેમ કરવામાં આવશે તેવો ઠરાવ કરાયો છે.

લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર જિલ્લા પંચાયતના સભ્યો મહેશભાઈ પારેજિયા અને સરોજબેન એરવાડિયાને સિંચાઈ, સહકાર અને શિક્ષણ સમિતિમાં સ્થાન અપાયું છે. જ્યારે જાહિરઅબ્બાસ શેરસિયાએ આ સમિતિમાંથી રાજીનામું આપ્યું છે.

આ સાધારણ સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ડેપ્યુટી ડીડીઓ નિશાંત કુગશિયા, સમિતિઓના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text