મોરબીમાં વરસાદનો માર સહન કરનાર ખેડૂતો ઉપજ વેચવા આવ્યાને ભાવમાં ધરખમ ઘટાડો

- text


વરસાદી માહોલમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ યાર્ડમાં જગ્યાના અભાવે ખેડૂતોને જણસીની આવક સીમિત કરાઈ 

મોરબી : મોરબી જિલ્લામાં ઓણસાલ મેઘરાજાએ ઓગસ્ટમાં અતિવૃષ્ટિ સર્જી ખેડૂતોના ખરીફ પાકની પથારી ફેરવી નાખ્યા બાદ ઓક્ટોબર માસમાં ખેડૂતોની બાકી રહેતી ખેતપેદાશ ઉપર પણ ભારે વરસાદરૂપી પાણી ફેરવી દેતા હવે આગામી દિવાળીના તહેવારના ખર્ચને પહોંચી વળવા ખેડૂતો મોટાપાયે જણસો વેચવા આવી રહ્યા છે પરંતુ ખેડૂતોનો વેચાણનો સમય આવતા જ માર્કેટિંગ યાર્ડમાં ભાવ તળિયે બેસી ગયા છે, બીજી તરફ હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીને કારણે યાર્ડમાં શેડમાં જગ્યા હશે તો જ ખેડૂતોનો માલ ઉતારવામાં આવશે તેવી યાર્ડ સતાવાળાઓએ જાહેરાત કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

મોરબીમાં જન્માષ્ટમી સમયે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન થયા બાદ મોરબીમાં રવિવારે પડેલ ભારે વરસાદના કારણે ખેડૂતોનો જે મોલ બચ્યો હતો તેમાં ભારે નુકસાન થયું છે. બીજી તરફ પડયા ઉપર પાટુ જેવી હાલતમાં મોરબી યાર્ડમાં ખેડૂતો બચી ગયેલી જણસી વેચવા ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે પરંતુ વરસાદના કારણે કપાસને ખુલ્લામાં ન રાખી સકતા શેડમાં રાખતા શેડ ભરાઈ જતા બજાર સમિતિએ ખેડૂતોને માલ ન લાવવા તાકીદ કરી છે. મોરબીના યાર્ડમાં યાર્ડમાં છેલ્લા બે દિવસથી જણસોની આવકમાં વધારો થયો છે પરંતુ ભાવમાં ઘટાડો નોંધાયો છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહમાં 12472 કવીન્ટલ કપાસની આવક થઇ છે જેમાં નીચો ભાવ 1250 રૂપિયા અને સૌથી ઉંચો ભાવ 1680 રૂપિયા બોલાયો હતો. એ જ રીતે યાર્ડમાં મગફળીની 1922 કવીન્ટલ આવક થઇ હતી જેમાં નીચા ભાવમાં રૂપિયા 800 અને સૌથી ઉંચા રૂપિયા 1250 ભાવ બોલાયો હતો. છેલ્લા બે દિવસમાં 3548 કવીન્ટલ કપાસની અને 837 કવીન્ટલ મગફળીની આવક થઇ હોવાનું યાર્ડ સતાવાળા જણાવી રહ્યા છે.

આજે સારામાં સારા કપાસનો ભાવ પણ ઓછો મળ્યો – ખેડૂત

મોરબી યાર્ડમાં કપાસ વેચવા આવેલ કૃષ્ણનગરના ખેડૂત નિલેશભાઈ ઉઘરેજાએ જણાવ્યું હતું કે મેં 25 વિધામાં કપાસનું વાવેતર કર્યું છે એમાં 600 મણ જેવો કપાસ થવો જોઈએ તેની જગ્યાએ માત્ર 350 મણ કપાસ થયો છે, વધુમાં મારો સારામાં સારો કપાસ છે જેનો રૂપિયા 1600 ઉપર ભાવ મળે પરંતુ યાર્ડમાં આવક વધુ હોવાથી રૂપિયા 1517 પ્રતિ મણે ભાવ મળ્યો છે.

દિવાળીમાં ઘરને કલર કરવાના રૂપિયા ન હોવાથી કપાસ વેચવો પડ્યો – ખેડૂત

મોરબી યાર્ડમાં કપાસ વેચવા આવેલ ટંકારાના નસીતપરના ખેડૂત મનજીભાઇ જેતપરીયા કહે છે કે મે 7 વીઘામાં કપાસ વાવ્યો હતો જેમાં એવરેજ 140 મણ કપાસ થાય પરંતુ ઓગસ્ટમાં પડેલા ભારે વરસાદના કારણે કપાસ બગડયો હતો પરંતુ વરાપ નીકળતા પાછો સુધર્યો અને રવિવારે વરસાદ પડતા ફરી બગડ્યો એટલે માત્ર 45 મણ જેટલો જ કપાસ થયો એમાંય આજે ઘરમાં કલર કરવા માટે તેમજ અન્ય ખર્ચ માટે પૈસાની જરૂર પડતા વેચવા આવતા ભાવ પણ મણે 1518 જ મળ્યો છે અને આ ભાવમાં વાવવાનો ખર્ચો પણ માથે પડ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

આગાહીને પગલે યાર્ડમાં જગ્યા હશે ત્યાં સુધી જણસીની ઉતરાઈ

મોરબી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ મોરબીના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જ્યાં સુધી વરસાદી વાતાવરણ હોય ત્યાં સુધી કપાસ તથા મગફળીની આવક શેડ ઉપર જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઇ કરવા દેવામાં આવશે તેવી સ્પષ્ટ જાહેરાત કરતા પોતાની જણસો વેચવા માંગતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

- text