ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા ભારતીય કિસાન સંઘ મોરબીની કૃષિ મંત્રીને રજૂઆત

- text


લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને વળતર ચુકવવા માગ

મોરબી : મોરબી જિલ્લામા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય આ અંગે ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા માટે ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા આજ રોજ કલેક્ટર મારફતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.

ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. નવરાત્રિ બાદ કમોસમી વરસાદ થતાં ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાયો છે. મોરબી જિલ્લામાં મગફળી અને કપાસનો થોડો ઘણો બચેલો પાક પણ નિષ્ફળ ગયો છે. કાપણીના સમયે માવઠાથી ખેડૂતોના ઘરોમાં દિવાળીએ હોળી જેવી હાલત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

- text

જુલાઈ દરમિયાન ભારે વરસાદ વરસતાં સરકાર દ્વારા પિયત માટે ફોર્મ ભરવા મૌખિક સૂચના આપવામાં આવી હતી. ધોવાણ થયેલ ખેતરનો સર્વે હજુ સુધી કરેલો નથી. કૃષિ વિભાગે જાહેરાત કરી હતી કે ખેતીવાડી વિભાગની ટીમો સર્વેની કામગીરી કરીને રિપોર્ટ આપશે તે રિપોર્ટ પણ અપાઈ ગયો છે. દોઢ મહિનો વિત્યો છતાં અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતોને સહાય મળી નથી. તેથી દિવાળી પહેલા તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે. આ ઉપરાંત લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક વળતર ચુકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

- text