પાછોતરો ભારે વરસાદ ભારે પડ્યો, મોરબી જિલ્લાના ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝૂટવાયો

- text


જન્માષ્ટમીએ 50 ટકા પાક સાફ થયા બાદ રવિવારના વરસાદમાં તૈયાર પાક તણાયો : ટંકારા અને મોરબી પંથકમાં ખેડૂતોની મગફળી રાખ થઇ ગઈ, કપાસના જીંડવા ખરી ગયા 

મોરબી : મોરબી જિલ્લામાં જન્માષ્ટમીએ વરસાદી હેલી અને પૂરના પાણીમાં ખેડૂતોનો 50 ટકા ખરીફ પાક સાફ થઇ ગયા બાદ બાકી હતું તો રવિવારે મેઘરાજાએ કહેર વરસાવતા બાકીનો 50 ટકા તૈયાર પાક સાફ થઇ જતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો છે, ગંભીર બાબત તો એ છે કે મેઘકહેરને પગલે મગફળીના પાકનો સફાયો થવાની સાથે અબોલ જીવો માટે મગફળીનો ભુક્કો પણ રાખથઇ જતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર મેઘ પધરામણી થતા જિલ્લામાં 3,14,944 હેકટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું અને વાવણી બાદ સમયસર વરસાદ આવતા મોટાભાગના ખેડૂતોને સારી ઉપજ આવવાની આશા હતી પરંતુ જન્માષ્ટમીના તહેવારમાં ભારે વરસાદ આવવાની સાથે પુરના પાણીએ ખેડૂતોના ખરીફ પાકની પથારી ફેરવી દેતા જિલ્લાના પાંચ તાલુકાના 1,51,789 ખેડૂતોના ખેતરમાં રહેલા પાકનો સફાયો થયો હતો અને જિલ્લામાં કુલ 1,52,360 હેકટરમાં નુકસાન થયું હોવાના સત્તાવાર આંકડા ખેતીવાડીના સર્વેમાં બહાર આવ્યા હતા.

બીજી તરફ મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદ અને પુરના પ્રવાહોમાં કપાસ અને મગફળીના પાકને 50 ટકા નુકશાન થયું હોવાં સત્તાવાર ખેતીવાડી વિભાગના નુકશાનના આંકડા બાદ પણ ખેડૂતો બાકી રહેતા 50 ટકા પાકને બચાવી પોતાનો ખર્ચ નીકળવાની આશમાં હતા પરંતુ છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદ અને બાદમાં રવિવારે આવેલધોધમાર કમોસમી વરસાદમાં ખેડૂતોએ બચાવેલ મગફળીના પાકના તૈયાર પાથરા તણાઈ જવાની સાથે કપાસના પાકનો પણ સફાયો થઇ જતા હવે ખેડૂતોને જીવનગુજારો કેમ કરવો તે પણ પ્રશ્ન સર્જાયો છે.


પાક નુકશાની આંકડામાં સમાવી ન શકાય : ખેડૂત કાંતિભાઈ 

મોરબી તાલુકાના બીલીયા ગામના ખેડૂત આગેવાન જણાવે છે કે, ઓગસ્ટ માસમાં થયેલ ભારે વરસાદમાં ખેડૂતોને વ્યાપક નુકશાન જવા જતા સરકારે હજુ અતિવૃષ્ટિ જાહેર કરી નથી ત્યાં જ શનિવારે અને રવિવારે આવેલ વરસાદમાં ખેડૂતોનો બચેલો પાક પણ વરસાદ તાણી જતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. સાથે જ મઘરાજાના કહેરને કારણે ખેડૂતોને થયેલ નુકશાન આંકડામાં વર્ણવી શકાય તેમ ન હોવાનું પણ તેમને જણાવ્યું હતું.વધુમાં પવન સાથે વરસાદ આવતા કપાસના જીંડવા ખરી ગયા હોવાનું અને કપાસ ઊંધો પડી જતા હવે ખેડૂત પાસે બાકી કી બચ્યું ન હોવાનું અંતમાં જણાવ્યું હતું.


મગફળી તણાઈ તો તણાઈ માલઢોર માટે ભુક્કો પણ ન રહ્યો : ખેડૂત દયાળજીભાઈ 

- text

ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂત દયાળજીભાઈ સવસાણીએ જણાવ્યું હતું કે, અગાઉ 50 ટકા ખરીફ પાકનો સફાયો થયા બાદ આગોતરી મગફળી કાઢી ખેતરમાં પાથરા કરીને રાખ્યા હતા ત્યાં જ વરસાદ આવતા મગફળી રાખ બની ગઈ છે, પાછોતરી મગફળીમાં પણ આજ હાલત છે. ખેડૂતો માટે મગફળી કરતા પણ મગફળીનો ભુક્કો માલઢોર નિભાવવા માટે મહત્વનો હોય છે જેમાં બબ્બે વખત વરસાદ આવતા હવે મગફળીનો ભુક્કો પણ સાફ થઇ જતા માલઢોર નિભાવવા પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યા હોવાનું જણાવી ખેડતોની મગફળી અને કપાસનો પાક સાફ થઇ જતા ખેડૂતો માટે ઓણનું વર્ષ કઠિન બન્યાનું જણાવ્યું હતું.


- text