સુરતના કામરેજમાં અઢી, દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ

- text


મોરબી – રાજકોટમાં રાહત : પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદ 

મોરબી : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં સોમવારે રાહત અનુભવાઇ હતી. સોમવારે રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં અઢી ઇંચ તો દ્વારકામાં અને પોરબંદરના રાણાવાવમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જો કે, સોમવારે મોરબી અને રાજકોટમાં વરસાદ નહિ વરસતા રાહત અનુભવાઈ હતી.

- text

ઓણસાલ મેઘરાજા અષાઢ માસથી સતત વરસાદ વરસાવી આસો મહિનામાં પણ અષાઢી માહોલ સર્જી સૌરાષ્ટ્રમા છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે સોમવારે સૌરાષ્ટ્રમાં મહદઅંશે રાહત જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સતાવાર આંકડા મુજબ સોમવારે સવારના 6થી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 64 મીમી, દ્વારકામા 35, પોરબંદરના રાણાવાવમાં 34 મીમી, ભાવનગરના ઘોઘામાં 29 મીમી, જૂનાગઢના કેશોદમાં 26 મીમી, માળીયા હાટીનામાં 16 મીમી, રાજકોટના કોટડા સાંગાણીમા 14, અમરેલીના કુંકાવાવમાં 13 મીમી તેમજ ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, અને જામનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

- text