માળીયા મિયાણામા વીજચોરી પકડવા ગયેલા ઈજનેર ઉપર હુમલો

- text


જુના રેલવે સ્ટેશન રોડ જનરલ સ્ટોરમાં ચેકીંગ કરતા ઇજનેરને પ્લાસ્ટિકના પાઈપથી માર મારી, આરોપીઓ ત્રિકમ લઈ પાછળ મારવા દોડ્યા

મોરબી : માળીયા મિયાણા ગામે જુના રેલવે સ્ટેશન રોડ ઉપર વીજ ચેકીંગમાં ગયેલા ઈજનેર સહિતની ટીમ ઉપર જનરલ સ્ટોરના સંચાલક અને તેના મળતીયાએ હુમલો કરી પ્લાસ્ટિકના પાઇપ વડે ઇજનેરને માર મારી અહીં બધા વીજ ચોરી જ કરે છે જેથી હવે પછી ચેકીંગમાં આવશો તો જાનથી મારી નાંખશું કહી ત્રિકમ લઈ પાછળ મારવા દોડતા ગંભીર બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા ગામમાં વીજ ચોરી પકડી પાડવા ઉપર અધિકારીની સૂચનાથી પીપળીયા ચાર રસ્તા સબ ડિવિઝનના ઈજનેર અલ્કેશભાઈ સવસીભાઈ ડામોર રહે. રવાપર રોડ, એવન્યુ પાર્ક, મોરબી સહિતની ટીમ વીજ ચેકીંગમાં ગઈ હતી. બાદમાં માળીયા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં વીજ ચેકીંગ દરમિયાન રેલવે ફાટક પાસે આવેલ આરોપી નવાબ ઈશુબ જેડાના જનરલ સ્ટોર ખાતે જઈ વીજળીનું મીટર છે કે તેમ પૂછતાં આરોપી નવાબ ઈશુબ જેડા એક્દમ ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, અહીં બધા વીજ ચોરી જ કરે છે અહીં ચેકીંગ કરવા આવતો નહિ.

- text

બાદમાં આરોપી નવાબ ઈશુબ જેડા અને આરોપી ફૈજાન મુરાદભાઈ નામના શખ્સોએ દુકાનમાંથી પ્લાસ્ટિકનો પાઇપ લઈ ફરિયાદી અલ્કેશભાઈને બેફામ માર મારતા સાથે રહેલા સિક્યુરિટી ગાર્ડે પાઇપ પડાવી લેતા આરોપીઓ દુકાનમાંથી ત્રિકમ લઈને આવ્યા હતા અને હવે પછી જો વીજ ચેકીંગમાં આવ્યા તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા વીજ કર્મચારીઓની ટીમ બનાવ સ્થળેથી ગભરાઈને જતા રહ્યા જતા અને ઇજનેરે માળીયા મિયાણા સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text