મોરબીમાં નવરાત્રીમાં વાહન વેચાણ વધ્યું, દસ્તાવેજ ઘટ્યા

- text


1468 મોટર સાયકલ અને 580 કાર સહિતના વાહનોનું વેચાણ થયું

મોરબી : મોરબીમાં નવરાત્રીના સપરમાં દિવસોમાં આ વર્ષે મોટાપ્રમાણમાં વાહનોની ખરીદી થઇ છે, મોરબી આરટીઓના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં નવરાત્રીના દિવસોમાં 2267 વાહનોનું વેચાણ થયું હતું, જો કે, બીજી તરફ નવરાત્રીના દિવસો દરમિયાન ચાલુ વર્ષે મિલ્કત ખરીદવાનો ક્રેઝ ઘટ્યો હોય તેવી સ્થિતિમાં છેલ્લા 11 દિવસમાં માત્ર 975 દસ્તાવેજોની જ નોંધણી થઇ હતી.

મોરબી શહેર અને જિલ્લામાં દરવર્ષે નવરાત્રી દરમિયાન નવા વાહનોના વેચાણમાં વધારો થવાની સાથે જ એટલા જ પ્રમાણમાં મિલ્કતની ખરીદી થતી હોય છે પરંતુ આ વર્ષ મોરબી જિલ્લામાં મિલ્કત ખરીદીમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સબ રજિસ્ટ્રાર કચેરીઓના સત્તાવાર આંકડા મુજબ આ વર્ષે તા. 1-10 થી 11-10 સુધીમાં કુલ 975 દસ્તાવેજો નોંધાયા હતા. જેમાં 152 મોર્ગેઝ, 21 વધારે બોજાના, 114 હક્ક પત્રકના નોંધાયેલા હતા. જેમાંથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીની 3,60,82,372 ની અને નોંધણી ફી ની 59,14,605 રૂપિયાની આવક થઈ હતી. સાથે જ કુલ 975 દસ્તાવેજમાંથી મહિલાઓના નામે 198 દસ્તાવેજ નોંધાયા હોય સરકારે 21,63,378ની ફી માફી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવરાત્રી દરમ્યાન દસ્તાવેજ નોંધણી માટે વેઇટિંગમાં ટોકન અપાયા હતા.

- text

બીજી તરફ મોરબી શહેર અને જિલ્લામાં નવરાત્રીના દિવસો દરમિયાન વાહન નોંધણીમાં મોટો વધારો જોવા મળ્યો હતો. મોરબી આરટીઓ કચેરીના સત્તાવાર આંકડા મુજબ નવરાત્રી દરમિયાન જિલ્લામાં 1468 મોટર સાયકલ, 580 કાર, 70 ગુડ્સ કેરિયર, 17 કોમર્શિયલ ટ્રેકટર, 14 એગ્રિકલચર ટ્રેકટર, 79 પેસેન્જર રીક્ષા, 19 ગુડ્સ રીક્ષા, 6 ડમ્પર, 5 કન્ટ્રક્શન વ્હીકલ સહિત કુલ 2267 વાહનોની નોંધણી થઇ હતી જેના થકી સરકારની તિજોરીને લખો રૂપિયાની આવક થવા પામી હતી.

- text