કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી ઓર : શરદ પૂર્ણિમા એટલે સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ ચાંદનીથી અમૃત ઝરતી રઢીયાળી રાત

બધા રસો એક સ્થાન ઉપર એકત્રિત થયેલા જોવા મળે તેને કહેવાય રાસ

જાણો.. દૂધ-પૌઆ, ચંદ્રદર્શન, કોજાગરી પૂર્ણિમા, રાસલીલા અને નવવિલાસનો મહિમા

મોરબી : શરદ પૂર્ણિમા એટલે સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ ચાંદનીથી અમૃત ઝરતી રઢીયાળી રાત. વિક્રમ સંવતની આસો સુદ પૂનમની તિથિને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે, જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમજ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.

શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીની રઢીયાળી રાતે શ્રીકૃષ્ણ વૃંદાવનમાં યમુના તટે વાસંળી વગાડે છે અને શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા રમાય છે. આજે પણ શરદપૂર્ણિમાની રાત્રિએ સોળેય શણગાર સજીને રાસ-ગરબાની રમજટ બોલાવાય છે. નવરાત્રિના પર્વની પૂર્ણાહુતિ વાસ્તવમાં શરદપૂર્ણિમાએ થાય છે.


દૂધ-પૌંઆ ખાવાનું મહત્વ

શરદપૂર્ણિમાના ચંદ્રના કિરણોનો અદભૂત પ્રભાવ પડે છે. શરદ-પૂનમની રાતે મધરાત સુધી ચાંદનીમાં મુકેલા દૂધ-પૌંઆ ચંદ્રના તેજના કારણે પોષ્ટિક અને સ્વાસ્થવર્ધક બની જાય છે. ડાકોર, શ્રીનાથદ્વારા વગેરે તીર્થોએ શરદપૂનમે ઠાકોરજીને દૂધપૌંઆનો ભોગ ધરાવાય છે.


ચંદ્રદર્શનનું મહત્વ

ચંદ્રમા શરદપૂર્ણિમાની રાતે સોળે કળાએ ખીલીને પૃથ્વીના પટ ઉપર શીતળ ચાંદની રેલાવે છે. ચંદ્રની ચાંદનીમાં સ્નાન કરીને જળાશયોમાં કુમુદ જેવા પુષ્પો ખીલી ઉઠે છે. ચંદ્રકિરણોનો આવો પ્રભાવ છે. ચંદ્રના કિરણો જાદૂઇ અસર થાય છે. ચંદ્ર તો અમૃત આપનાર છે, તેથી જ ને ‘સુધાશું’ કે ‘સુધાકર’ કહેવાય છે. ચંદ્રકિરણોની રોશનીથી દ્રષ્ટિનું તેજ વધે છે.


કોજાગરી પૂર્ણિમા

દેશના ઘણા વિસ્તારોમાં શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોજાગરી પૂર્ણિમાનો તહેવાર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં ખૂબ જ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. કોજાગરી પૂર્ણિમામાં દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદપૂનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે. અને તપાસ કરે છે કોણ જાગી રહ્યુ છે, મારો ક્યો ભકત જાગે છે. આથી, શરદપૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામા આવે છે.


શ્રીકૃષ્ણની રાસલીલાનો મહિમા

રસાનામ સમૂહ રાસ: જ્યાં બધા રસ ભેગા મળે, રસોનો સમૂહ ભેગો થાય, બધા રસો એક સ્થાન ઉપર એકત્રિત થયેલા જોવા મળે તેને કહેવાય રાસ. બ્રહ્માનંદનો અનુભવ કરી રહેલા જીવોને ભજનાનંદનો અનુભવ કરવા માટે જે લીલા પ્રભુ એ કરી એનું નામ રાસ લીલા. રાસનો ઉત્સવ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે રમણનો ઉત્સવ છે. દરેક ગોપીઓને રાસમાં એવો અનુભવ થઈ રહ્યો હતો કે કૃષ્ણ માત્ર મારી સાથે જ રાસ નૃત્ય કરી રહ્યા છે. તેને ખબર જ ન હતી કે કૃષ્ણ બીજી ગોપીઓને ની સાથે પણ રાસ રમી રહ્યા છે કે નહીં. આ રીતે કૃષ્ણમાં ખોવાઇ જવું, તેનું નામ રાસ છે.


નવવિલાસ એટલે શું?

આસોમાં જેમ નવ નોરતા છે, તેમ પુષ્ટિમાર્ગમાં યમુના મહરાણીજીના નવવિલાસ રમવામાં આવે છે. જેમાં એવો ભાવ છે કે અષ્ટ સખીના ભાવથી એક એક જુદા વનમાં વિહાર છે. જે તે સખી યુગલ સ્વરૂપને પોતાની નિકુંજમાં પધરાવે છે. ત્યાં પોતે પોતાના ભાવની સામગ્રી અને પોતાના જ ભાવને અનુસાર સજાવટ કરીને, બીજી સખીઓને પણ બોલાવી યુગલ સ્વરૂપની સેવા તનમનથી કરે છે.