હવા અને પાણી પછી અન્ન એ ત્રીજી માનવીની સૌથી અનિવાર્ય જરૂરિયાત : આહાર એ પ્રાથમિક અને મૂળભૂત માનવ અધિકાર

- text


વર્ષ ૧૯૮૧થી ૧૬ ઓક્ટોબરે ઉજવાતો વિશ્વ અન્ન દિવસ : ૨૦૨૪ની થીમ છે “સારા જીવન અને સારા ભવિષ્ય માટે અન્નનો અધિકાર”

મોરબી : વિશ્વભરમાં દર વર્ષે ૧૬મી ઓક્ટોબરને વિશ્વ અન્ન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સન ૧૯૪૫માં આ દિવસે સંયુક્ત રાષ્ટ્રના ખોરાક અને કૃષિ સંગઠન (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના થઈ હતી અને તેના માનમાં, ૧૬ ઓક્ટોબર, ૧૯૮૧થી આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં ભૂખમરા સામે લડતા કે ખાદ્યાન્ન સુરક્ષા માટે કાર્ય કરતા વિવિધ સંગઠનો તેમજ વિશ્વના ૧૫૦ દેશો અને ૫૦ ભાષાઓ બોલતા લોકો ૧૬મી ઓક્ટોબરે વિશ્વ અન્ન દિવસની ઉજવણી કરે છે.

ખોરાક એ પ્રાથમિક અને મૂળભૂત માનવ અધિકાર છે. વિશ્વ અન્ન દિવસની વર્ષ-૨૦૨૪ની થીમ છે “સારા જીવન અને સારા ભવિષ્ય માટે અન્નનો અધિકાર” (રાઇટ ટુ ફૂડ ફોર બેટર લાઈફ એન્ડ બેટર ફ્યુચર).

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં જણાવાયા પ્રમાણે, આ વિશ્વની વસતીને ખવડાવતા વધે એટલું અનાજ ખેડૂતો ઉત્પન્ન કરી રહ્યા છે, આમ છતાં પણ ભૂખમરો નાબૂદ નથી કરી શકાયો. વિશ્વમાં આશરે ૭૩ કરોડ ૩૦ લાખથી વધુ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. જેની પાછળ બદલાતું હવામાન, સંઘર્ષો, આર્થિક મંદી, અસમાનતા તથા રોગચાળો કારણભૂત હોવાનું મનાય છે. આ બધી સ્થિતિ ગરીબો અને નબળા લોકોને સૌથી ગંભીર અસર કરે છે, જેમાંના ઘણા કૃષિ પરિવારો છે, જે તેમના દેશમાં તેમજ વિશ્વમાં વિસ્તરી રહેલી અસમાનતાને પ્રતિબિંબિત કરે છે.

- text

હવા અને પાણી પછી અન્ન એ ત્રીજી માનવીની સૌથી અનિવાર્ય જરૂરિયાત છે. દરેક વ્યક્તિને પૂરતા અન્નનો અધિકાર હોવો જોઈએ. આજે વિશ્વમાં આશરે ૨૦૮ કરોડથી વધુ લોકો પોષક આહાર મેળવી શકતા નથી. કૂપોષણથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે, બાળકનો તંદુરસ્ત વિકાસ થઈ શકતો નથી. કોઈપણ દેશ માટે કૂપોષણ મોટી સમસ્યા બની રહે છે.

કૂપોષણની સમસ્યાને પારખતા, તેની નાબૂદી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૮માં ૮મી માર્ચે, ભારતમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ શરૂ કરાવ્યું હતું. જે અંતર્ગત દર વર્ષે, માર્ચ મહિનામાં ૧૫ દિવસ સુધી ‘પોષણ પખવાડિયું’ ઉજવવામાં આવે છે. તેવી જ રીતે, સપ્ટેમ્બર મહિનાની સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આજે અનેક ગરીબોની અન્ન સલામતીનો આધાર બની છે.

- text