મોરબી જિલ્લામાં એક વર્ષ 1.42 લાખ લોકોએ લીધી આયુર્વેદિક સારવાર

- text


મહિને સરેરાશ 5400 દર્દીઓ કરાવે છે આયુર્વેદિક સારવાર, જિલ્લામાં 11 આયુર્વેદિક અને 6 હોમિયોપેથ ક્લિનિક

મોરબી : વર્તમાન સમયમાં ટેકનોલોજીના વિકાસના કારણે માનવજીવનની હાડમારીમાં ઘણો ઘટાડો થયો છે, જીવન સરળ બન્યુ છે. પરંતુ ઝડપી ઔધોગીકરણ અને અયોગ્ય આહાર વિહારના કારણે બીપી, ડાયાબીટીસ, શ્વાસ, થાયરોઇડ વગેરે રોગોનુ પ્રમાણ ખુબ જ વધી ગયુ છે ત્યારે એલોપથી સારવાર લેવા છતાં દર્દીઓને દર્દથી કાયમી છુટકારો મળતો ન હોય એલોપથીથી થાકેલ અનેક દર્દીઓ હવે આયુર્વેદના શરણે આવ્યા છે, ખાસ કરીને મોરબી જિલ્લામાં દર મહિને 5400 જેટલા લોકો આયુર્વેદિક સારવાર મેળવી સ્વસ્થ બની રહ્યા છે, લોકોને એલોપેથીની તુલનાએ આયુર્વેદ ઉપર વધુ ભરોસો આવ્યો છે. વર્ષ 2023-24માં મોરબી જિલ્લામાં 1.42 લાખ દર્દીઓએ આયુર્વેદિક સારવાર મેળવી હતી.

મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લામાં એક હોસ્પિટલ, 11 આયુર્વેદિક દવાખાના અને 6 હોમિયોપેથ દવાખાના કાર્યરત છે જેમાં નિષ્ણાત આયુષ તબીબો “સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આતુરસ્ય વિકાર પ્રશમનમ “ સિધ્ધાંત પર દર્દીઓની આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી સારવારને કારણે ખુબ જ સારા પરિણામો જોવા મળેલ છે. આ અંગે જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. પ્રવીણ વડાવિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2023-24માં આયુર્વેદ શાખા હેઠળના દવાખાનાઓમાં કુલ 1.42 લાખ જેટલા દર્દીઓને સારવાર મેળવી હતી. ખાસ કરીને જુના અને હઠીલા દર્દોમાં દર્દીઓને એલોપેથિક દવા પરિણામ આપતી નથી ત્યારે આયુર્વેદ 100 ટકા પરિણામ આપી રહ્યું હોય લોકો સરકારી દવાખાનાનો લાભ લઇ રહ્યા છે.

વધુમાં આયુર્વેદ દવાખાનામાં 64,658 દર્દીઓએ ઓપીડીનો લાભ લીધો હતો જયારે 15,168 દર્દીઓએ હોમિયોપેથીક સારવાર લીધી હતી, સાથે જ તંત્રએ 15,776 લોકોને અમૃતપેયનું વિતરણ કર્યું હતું તેમજ 1009 લોકોએ આર્સેનીક આલ્બમનો લાભ લીધો હતો.આયુર્વેદિક દવાખાનામાં 5086 દર્દીઓને અગ્નિકર્મનો લાભ આપવામાં આવ્યો હોવાનું તેમજ નિદાન કેમ્પ, સ્વસ્થવૃત શિબિર, સુવર્ણપ્રાશન, યોગ શિબિર, આયુષ મેળો અને પ્રકૃતિ પરીક્ષણ સહિત કુલ ૧૪૨૫૮૧ લાભાર્થીઓને લાભ અપાયો હતો.


જુની એસીડીટી મટી : અમૃતભાઈ – બાવરહુસેન

મોરબી રહેવાસી અમૃતભાઈ પટેલને છેલ્લા 30 વર્ષ થી છાતીમાં બળતરા અને પેટમાં ભારેપણાંની સમસ્યા હતી. અનેક ખાનગી તબીબ પાસે સારવાર લીધેલ હતી અને જાન્યુઆરી 2024 માં પેટના રોગોનાં નિષ્ણાત ડોકટરને બતાવતા પેટમાં H. Pylori Infection નું નિદાન થયેલ. ત્યારબાદ લખઘીરનગર ખાતે આવેલ સરકારી આયુર્વેદ દવાખાને સારવાર ચાલુ કરતા 2 મહિનાની સારવારથી લક્ષણોમાં 80-90 % રાહત મળેલ હતી. એ જ રીતે વાંકાનેર તાલુકાના પિપળીયારાજ ગામના રહેવાસી બાવરાહુસેન અલાઉદ્દીભાઇને લાંબા સમયની એસીડીટીમાં પિપળીયારાજ ખાતેના સરકારી આયુર્વેદ દવાખાનાની સારવાર દ્વારા સંપુર્ણ રાહત થઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું.


આયુર્વેદથી પથરી નીકળી ગઈ

મોરબીના વિજયભાઇ કણઝરીયાને પથરીની તકલીફ હતી જેની સારવાર માટે જનરલ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ હોમિયોપેથી ઓપીડીમા સારવાર લેતા પથરીના દુખાવામા તત્કાલીક રાહત થઇ તથા થોડા સમય દવા ચાલુ રાખતા પથરી નીકળી પણ ગઇ હતી.


જૂનો મરડો અને પગની પાનીનો દુઃખાવો મટ્યો

હળવદ શહેર ખાતે રહેતા પુજાબેન નાડીયાને જુના મરડાની 1 વર્ષથી તકલીફ હતી. જેમાં લગભગ 50 હજાર જેટલા રૂપીયાનો ખર્ચ થયો હતો પરંતુ પરીણામ મળતુ ન હતુ. ત્યારબાદ હળવદ સરકારી આયુર્વેદ દવાખાના ખાતે ૩ મહીનાની સારવાથી 90 % રાહત થઇ ગઇ હતી જયારે હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે રહેતા શોભનાબેન ઘનશ્યામભાઇને પગની પાનીમા દુ:ખાવાની સમસ્યા લાંબા સમયથી હતી. તેઓએ સુસવાવ ખાતે આવેલ સરકારી આયુર્વેદ દવાખાને મેડિકલ ઓફિસર દ્વારા આયુર્વેદિક અગ્નિકર્મ સારવાર કરાવતા ફક્ત ૧૫ દિવસમા દુખાવામાં સંપુર્ણ રાહત થઇ જવા પામી હતી.

- text


સૌર્યાસિસની બીમારીમાં 85 ટકા રાહત

માળિયા તાલુકાના નાનાભેલા ગામે રહેતા ધર્મેન્દ્રપરી ગોસાઇને લાંબા સમયથી સોર્યાસીસની બીમારી હતી. આ બીમારી માટે તેમને ઘણી બધી દવાઓ લેવા છતા પણ રાહત થયેલ નહી. બાદમાં 3 વર્ષ પહેલા સરકારી આયુર્વેદ દવાખાના ભાવપર ખાતેથી દવા શરુ કરતા જ હાલમા 85 % જેવી રાહત થઇ હોવાનું તેઓ જણાવે છે.


કોરોના પછી ઓપીડીમાં 20 ટકાનો વધારો :જિલ્લા આયુર્વેદિક અધિકારી

કોરાના પછી લોકોનો આયુર્વેદિક ઉપર વિશ્વાસ વધ્યો છે, અને કોરોના પછી આયુર્વેદ અને હોમિયોપેથીના ઓપીડીમાં 20 ટકા જેવો વધારો થયો છે અમે આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે સમયાંતરે કેમ્પો, શિબિરો અને આયુષ મેળાઓ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓમાં યોગા સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવે છે – ડો. પ્રવીણ વડાવિયા (જિલ્લા આયુર્વેદિક અધિકારી)


- text