સ્વચ્છતાથી સ્વસ્થતા : આરોગ્યની જાળવણી અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે હાથ ધોવાની આદત કેળવવી મહત્વપૂર્ણ

- text


15 ઓક્ટોબર : ગ્લોબલ હેન્ડવોશિંગ ડે – 2024ની થીમ “શા માટે સ્વચ્છ હાથ હજુ પણ મહત્વપૂર્ણ છે?”

મોરબી : દર વર્ષે ૧૫ ઓક્ટોબરના રોજ વૈશ્વિક સ્તરે હાથોની સ્વચ્છતા પર “ગ્લોબલ હેન્ડવોશિંગ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ૨૦૨૪ની થીમ “શા માટે સ્વચ્છ હાથ હજુ પણ મહત્વપૂર્ણ છે?” છે.

પ્રવર્તમાન સમયમાં આરોગ્યને લઈને તબીબી જગત અને નાગરિકો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. આજે તંદુરસ્ત આરોગ્ય માટે પૌષ્ટિક આહાર, નિયમિત દિનચર્યા, કસરત, શારીરિક સ્વચ્છતા જેવી આદતો વિકસાવવી ખૂબ જરૂરી બની છે, ખાસ કરીને આરોગ્યની જાળવણી માટેની આદતો. તેમાંની એક આદત એટલે “હાથ ધોવાની” આદત.

આપણી તંદુરસ્તી માટે હાથોની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, હાથની ગંદકી હાથ ધોયા વગર કંઇપણ ખાવા-પીવાથી શરીરમાં પહોંચી જાય છે. આ બેક્ટેરિયાને કારણે ઝાડા, પેટનો દુઃખાવો, આંખ અને ત્વચા સંબંધી અનેક બીમારીઓ થઇ શકે છે. વિશ્વએ જોયેલી કોરોના મહામારીએ હાથ ધોતાં રહેવાની આદતને વધુ લોકો સુધી ફેલાવવાનું કામ કર્યું છે.

દરેક બાળક માટે વધુ સારી તથા સ્વચ્છ દુનિયા બનાવવા માટે યુનિસેફ ૧૯૦થી વધુ દેશો અને પ્રદેશોમાં કામ કરે છે. યુનિસેફે સ્થાનિક સરકારો સાથે વોશ સુવિધાઓ સ્થાપિત કરવા અને શાળાઓ માટે સલામત શિક્ષણ વાતાવરણ પૂરું પાડવા માટે કામ કર્યું છે. હાથ સ્વચ્છ હશે તો બાળકો ઓછા બીમાર પડશે, શૌચકર્મ કર્યા પછી, ખોરાક તૈયાર કરતી વખતે, ભોજન ગ્રહણ કરતા પહેલા, ખાંસી, છીંક કે નાક લૂછ્યા પછી તરત હાથ ધોવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણા પરિવાર અને સમાજને રોગમુક્ત રાખવા માટે હાથ ધોવાની આદત હોવી ખૂબ જરૂરી છે અને આ બાબતની ટેવ બાળકોમાં પણ કેળવવી જોઇએ.


હાથ ધોવાના ફાયદા

- text

આજના સમયમાં આપણી આસપાસની સ્વચ્છતાની સાથે શારીરિક સ્વચ્છતા પણ એટલી જ મહત્વની છે. વ્યક્તિ આરોગ્યલક્ષી સુટેવ વિકસાવીને પોતાની જાતને બીમારીથી બચાવી શકે છે. ત્યારે હાથ ધોવા જેવી સામાન્ય બાબત પણ આરોગ્યની દ્રષ્ટિએ ઘણી મહત્વની સાબિત થતી હોય છે.

બરાબર રીતે હાથ ધોવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેમ કે, ઝાડા, ઉલટી, મરડો વગેરે અટકાવી શકાય છે. ખાસ કરીને બાળકોમાં જોવા મળતાં કૃમિના ચેપને અટકાવી શકાય છે. હાથ ધોવાની સુટેવના કારણે વાઇરલ ઇન્ફેક્શન અટકાવી શકાય છે. જેનું સચોટ ઉદાહરણ છે કોરોના કાળ. હાથ અને નાક વાટે વાયરસ ઝડપથી ફેલાય છે. કોરોના વખતે પણ હાથ ધોવાનું મહત્વ વધી ગયું હતું.

ઉપરાંત, જરૂરિયાત વિના કોઈપણ વસ્તુને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ, જેના કારણે ઇન્ફેક્શન લાગવાની સંભાવના નહિવત થઇ જાય છે. ખાસ કરીને હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફ માટે સમયાંતરે હાથ ધોતા રહેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી, એક દર્દીમાંથી બીજા દર્દીમાં ચેપ ના લાગે તથા હોસ્પિટલના સ્ટાફને પણ ચેપ ના લાગે તે માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. સાથોસાથ હોસ્પિટલમાં આરોગ્યની તપાસ કરાવવા આવતા દર્દીઓ અને સગા વ્હાલાઓએ પણ માસ્ક પહેરવું જોઈએ અને ઘરે જઈને હાથ પગ ધોઈને જ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.


હાથ ધોવાની રીત

હાથ ધોવા માટેની યોગ્ય રીત પણ વૈજ્ઞાનિકો દ્વારા સુચવવામાં આવી છે, જેમાં ભીના હાથ પર સાબુ લઇને બંને હથેળીઓ, હાથની પાછળનો ભાગ, આંગળીઓમાં આંગળી પરોવીને આંગળીઓ વચ્ચેનો ભાગ, ટેરવા, હથેળી પર નખ ઘસીને નખ સાફ કરી ત્યારબાદ સ્વચ્છ પાણી વડે હાથ સાફ કરીને ચોખ્ખા કપડાંથી લુછવા જોઇએ. સાબુના ઉપયોગ બાદ તે સુકાઇ જાય તેવી જગ્યા પર રાખવો જોઈએ.


- text