ટંકારાના નાના રામપર સહકારી મંડળીના પ્રમુખ ઘરભેગા 

- text


 

મંડળીની ઓફિસ અને ગોડાઉન માટે પ્રમુખે પોતાની જ જગ્યા ભાડે આપતા જિલ્લા રજિસ્ટ્રારનું કડક પગલું 

મોરબી : ટંકારા તાલુકાના નાના રામપર ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખે ઘરના ભુવા અને ઘરના ડાકલા જેવા ઘાટ વચ્ચે મંડળીની ઓફિસ માટે પોતાનું જ મકાન ભાડે આપવાની સાથે મંડળીના ખાતર, દવા અને બિયારણ ભરવા માટે પોતાનું ઘરનું ગોડાઉન ભાડે આપી ભાડાની કમાણી કરવા ઉપરાંત પોતાના પુત્રને મંડળીના મંત્રી તરીકે નોકરીએ રાખી મંડળીના અન્ય સભ્યોને અંધારામાં રાખવામાં આવતા આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ થયેલી ફરિયાદ બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મંડળીના પ્રમુખને હોદા ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ રણુભા આલુભા ઝાલા વિરુદ્ધ જુદા-જુદા અરજદારો દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ ફરિયાદ કરવામાં આવતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પ્રમુખને નોટિસ ફટકારી ખુલાસા પૂછવામાં આવ્યા હતા. વધુમાં નાના રામપર મંડળીના પ્રમુખ રણુભા આલુભા ઝાલા મંડળીના વ્યવસ્થાપક સમિતિના મુખ્ય જવાબદાર વ્યક્તિ હોવા છતાં પોતાનું અંગત હિત જોઈ પોતાનું મકાન મંડળીને ઓફિસ માટે ભાડે આપવાની સાથે મંડળીના ગોડાઉન માટે પણ પોતાનું ગોડાઉન મહિને 3000 ભાડા લેખે અને બાદમાં દર વર્ષે 1000 ના ભાડા વધારા સાથે ભાડે આપી પોતાનું અંગત હિત ધ્યાને લીધું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત રણુભાએ પોતાના પુત્રને મંડળીના મંત્રી તરીકે નિમણુંક આપી પગાર ભથ્થા અંગે કોઈ ઠરાવ સ્પષ્ટતા કરી ન હોવાથી મોરબી જિલ્લા રજિસ્ટ્રાર બી.એન.પટેલે નાના રામપર સેવા સહકારી મંડળીના પ્રમુખ પદેથી દૂર કરતો હુકમ કર્યો છે.

- text