મોરબીમાં ચાલે છે અનોખી હરતી ફરતી શાળા, 700 બાળકોએ અક્ષરજ્ઞાન મેળવ્યું

- text


ઝૂંપડપટ્ટીના બાળકો ખોટા રસ્તે ન ચડે તેની ચિંતામાં શ્રેષ્ઠીએ શરૂ કરી અનોખી શાળા

મોરબી : મોરબીમાં એક અનોખી સ્કૂલ ચાલે છે જેનું નામ છે સ્કૂલ ઓન વ્હીલ્સ,બસમાં ચાલતી હરતી -ફરતી શાળા ઝૂંપડપટ્ટીમાં ઉભી રહે એટલે બાળકો દોડતા આવી આ શાળામાં ભણવા માંડે છે આ શાળા હરતી ફરતી શાળા છે જે દરરોજ શહેરના નવલખી રોડ, પાડા પુલ, ધુનડા રોડ, લીલાપાર રોડ સહિતના ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોંચીને ગરીબ બાળકોને ભણતરના પાઠ શીખવી રહી છે.

મોરબીના શનાળા રોડ પર આવેલ જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ વિદ્યાલયના પ્રમુખ ટી.ડી. પટેલે જણાવ્યું કે મને એક વિચાર આવ્યો કે ઝૂંપડપટ્ટીના બાળકો જો ભણે નહિ અને રખડ્યા કરે તો ભવિષ્યમાં ખરાબ સંગતને કારણે ક્રિમિનલ બની શકે છે અને જો આ બાળકોને શિક્ષણ આપવામાં આવે અને તે શિક્ષિત બનશે તો ભવિષ્યમાં વાંચતા લખતા આવડતું હશે તો ક્યાંક ને કયાંક નોકરી મળશે અને સારા કાર્યો કરી પોતાનું તેમજ તેમની આવનારી પેઢીનું સારું વિચારી શકશે.

આ હરતી ફરતી શાળાના શિક્ષક અલ્પાબેન ગૌસ્વામી જણાવે છે કે હું છેલ્લા 8 વર્ષથી ગરીબ બાળકોને ભણાવી રહી છે. અત્યાર સુધીમાં અમે 700 જેટલા બાળકોને લખતા વાંચતા કર્યા છે. શરૂઆતમાં અમે જયારે બસ શાળા ચાલુ કરી ત્યારે બાળકો ભણવા આવતા નહિ જેથી અમે નાસ્તો આપવાનું શરુ કર્યું તો બાળકો ધીરે ધીરે આવતા ગયા અને અમે અભ્યાસ કરાવતા ગયા. હાલમાં 3 વર્ષથી લઈ 12 વર્ષ સુધીના બાળકો અહીં ભણવા આવે છે. આ લોકો ક્યાંય શાળામાં ભણવા ગયા નથી એટલે આ લોકોને એકડે એક થી શરુ કરવું પડે છે.અમે બાળકોને ચિત્રો દોરાવી, રંગ પુરાવીએ છીએ, એકડા, કક્કો સહિતના વાંચતા લખતા શિખડાવીએ છીએ તેમજ તેમની પરીક્ષા પણ લઈએ છીએ.


ગરીબ બાળકોના વાલીઓ ખુશ

મોરબીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ માતાપિતાના બાળકો માટે શરૂ થયેલી હરતી ફરતી શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોએ અક્ષરજ્ઞાન મેળવ્યા પછી તેમના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા છે, બાળકોના માતાપિતા પણ કહે છે કે, તેમના બાળકો સંસ્કારી બન્યા છે અને ગાળો બોલવાનું બંધ કરી રખડતા ઓછા થયા હોવાનું જણાવ્યું હતું.


આવી સેવા કરવાના મોકો બીજે ક્યાંય ન મળે : શિક્ષક

છેલ્લા આઠ વર્ષથી ઝુપડપટ્ટીના બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક અલ્પાબેન ગૌસ્વામી જણાવે છે કે, ઓમ શાંતિ સ્કૂલમાંથી મને શાળામાં અભ્યાસ કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ મને ગરીબ બાળકોને અભ્યાસ કરાવવાનો આનંદ આવે છે. આવી સેવા કરવાનો મોકો બીજે ક્યાંય ન મળે. પહેલા બાળકો મેલા ઘેલા કપડાં પહેરીને આવતા અને કોઈ શિસ્ત ન હતી, પરંતુ હવે આ બાળકોમાં ઘણો જ સુધાર આવ્યો છે અને હવે બાળકો ન્હાઈ ધોઈ વ્યસવસ્થિત કપડાં પહેરી અને શિસ્તબદ્ધ થઇ શાળામાં આવે છે અને વ્યવસ્થિત અભ્યાસ પણ કરે છે


મારે શિક્ષક બનીને આવી રીતે સેવા કરવી છે

મોરબીમાં છેલ્લા આઠ વર્ષથી હરતી ફરતી શાળામાં અભ્યાસ કરતી મનીષા નામની દીકરીએ જણાવ્યું કે મને અહીં ભણવાની ખુબ જ મજા આવે છે મને અત્યારે કક્કો, સો એકડા, શબ્દો આ બધું આવેડે છે અને હું પણ મારા બીજા ભાઈ- બહેનોને સો એકડા શીખડાવું છું. મારે મોટા થઈને શિક્ષક બનીને આવી રીતે શાળામાં ન જતા બાળકોને ભણાવવા છે


બસ શાળાના સંચાલક મહિને 70 હજારનો ખર્ચ કરે છે

મોરબીના કેળવણી કાર ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે, ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકો અભ્યાસ કરે તેવા શુભ આશયથી પોતાના જન્મદિવસે શાળાની શરૂઆત કરી છે, હાલમાં ટી.ડી.પટેલ ગરીબ બાળકો માટે દર મહિને 70 હજાર જેટલો ખર્ચ કરે છે અને તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી આ સેવા અવિરત સેવા ચાલુ રાખવી છે. મહત્વનું છે કે, ઘણા બાળકો વાંચતા લખતા શીખી જાય પછી નજીકની સરકારી શાળા કે આરટીઇ અંતર્ગત તેના એડમિશનની પ્રોસેસ પણ તેઓ દ્વારા કરવામાં આવે છે.

- text


- text