મોરબી-કચ્છ હાઇવે ઉપરથી ટેન્કરમાંથી ગેસ ચોરવાનું રેકેટ ઝડપાયું 

- text


મોરબી તાલુકા પોલીસે ગાળા નજીક હોટેલ અને મીની ઓઇલમીલમાંથી કૌભાંડ ઝડપી લઈ 26.57 લાખનો મુદામાલ કબ્જે કર્યો 

મોરબી : મોરબી – કચ્છ નેશનલ હાઇવે ઉપર ગાળા ગામ નજીક હાઇવે ઉપર આવેલ હોટલે ગેસનું ટેન્કર ઉભું રાખી નજીકમાં જ આવેલ મીની ઓઇલમીલમાં ગેસ ચોરી કરી બાટલા રીફીલ કરવાનું તોતિંગ કૌભાંડ મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈ ટેન્કર સહિત 26.57 લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી હોટલ સંચાલકને ઝડપી લીધો હતો જયારે ટેન્કર ચાલક નાસી ગયો હતો. નોંધનીય છે કે, બનાવ સ્થળેથી પકડાયેલ ટેન્કર અદાણી કંપનીમાંથી એલપીજી ગેસ ભરીને વાંકાનેર નજીક આવેલ સીરામીક ફેકટરીમાં મોકલવામાં આવ્યું હતું જેમાંથી ગેસ ચોરી કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબી – કચ્છ હાઇવે ઉપર ગાળા નજીક આવેલ હોટલ સુખસાગરના મેદાનમાં દરોડો પાડતા અહીં એનએલ -01-એલ-5465 નંબરના એલપીજી ટેન્કરમાં વાલ્વમાં પાઇપ જોડી અંદાજે 300 ફર દૂર આવેલ માધવ મીની ઓઇલ નામની ફેકટરીમાં આ પાઈપમાં અન્ય કનેક્શન આપી નાના ગેસના બાટલામાં ગેસ ભરવામાં આવતો હોવાનું જોવા મળતા પોલીસે બનાવ સ્થળેથી મૂળ રાજસ્થાન અને હાલમાં સુખસાગર હોટલ ગાળા ખાતે રહેતા આરોપી સેતાનકુમાર સુર્જનરામ બાંગડવાની પૂછતાછ કરતા ગેસ ટેન્કરમાંથી ગેસ ચોરી કરી બાટલા ભરવામાં આવતા હોવાનું કબુલ્યું હતું.

- text

વધુમાં બનાવ સ્થળેથી ટેન્કર નંબર એનએલ -01-એલ-5465નો ચાલક હાજર મળી આવ્યો ન હતો ઉપરાંત માધવ મીની ઓઇલ મિલનો સંચાલક પણ હાજર નહીં મળી આવતા પોલીસે બનાવ સ્થળેથી નાના મોટા ગેસના 50 બાટલા, ગેસ ભરેલું ટેન્કર, નાની મોટી પાઇપ,વજનકાંટો, એક મોટર સાયકલ તેમજ ટેન્કરના વાલ્વ ખોલવાના પાનાં સહીત કુલ રૂપિયા 26,57,357નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસે ટેન્કરમાં પડેલી બિલ્ટી ચેક કરતા એલપીજી ગેસનો આ જથ્થો વાંકાનેરના લાકડધાર નજીક આવેલ સેન્ટોસ સિરામિકમાં પહોંચાડવામાં આવનાર હોવાનું સામે આવ્યું હતું. હાલમાં પોલીસે ગેસ ટેન્કર અને બાટલા સહિતનો મુદામાલ કબ્જે કરી ટેન્કર ચાલક, માધવ મીની ઓઇલ મિલન સંચાલક, હોટલ સંચાલક સેતાનકુમાર સુર્જનરામ બાંગડવા અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text