મોરબી જિલ્લામાં 36.21 કરોડનાં 13 વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ પૂર્ણ થતાં હોય વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરબીમાં સ્કાય મોલ ખાતે જિલ્લાનાં 36.21 કરોડનાં 13 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ અને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતની જનતાએ જ્ઞાતિમુક્ત, પરિવારવાદમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન જોયું હતું. તેમણે માત્રને માત્ર વિકાસની રાજનીતિ અમલમાં મૂકી હતી. આ માટે ગુજરાતની જનતા હંમેશા તેમની આભારી રહેશે. સૌની યોજના, જ્યોતિર્ગ્રામ યોજના, વાયબ્રન્ટ ગુજરાત, ખુશ્બુ ગુજરાત કી, શાળા પ્રવેશોત્સવ, રણોત્સવ વગેરે વિકાસકલ્પને લીધે ગુજરાત આજે સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ બની ચૂક્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રા આજે વણથંભી રીતે આગળ વધી રહી છે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સતત પ્રયાસ અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે. અત્યારે રાજ્યમાં 180 થી વધુ લોકકલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ જરૂરિયાતમંદ પ્રજા લઈ રહી છે.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આપણા દેશને એક મહાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે, જે દેશનું સદભાગ્ય છે. આજે સમગ્ર દેશ તેમના ૨૩ વર્ષના સુશાસશની ઉજવણી કરી રહ્યું છે. મોરબી જિલ્લાને મોડેલ ડિસ્ટ્રિક્ટ બનાવવા માટે વર્ગ ૪ થી લઈને વર્ગ ૧ ના કર્મચારીઓનો સતત સહયોગ મળે તે જરૂરી છે. પ્રજાને બીજી વાર આપણી કચેરીએ ધક્કો ખાવો ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

આ તકે નિવાસી અધિક કલેકટર એસ.જી. ખાચરે કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી અને મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વાધગઠ ગામને રાજ્યકક્ષાનો સ્વચ્છ ભારતનો એવોર્ડ મળ્યો હતો. જેની શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ શપથ ગ્રહણ કર્યા હતા.

આ સમારોહમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, અગ્રણી રણછોડભાઈ દલવાડી સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીગણ, જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી એસ.જે. પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, પ્રાંત અધિકારીઓ, જિલ્લાભરના વિવિધ વિભાગના વર્ગ 1 અને 2 નાં અધિકારીઓ, કર્મચારીગણ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text