સીબીઆઈના મોરબીમાં ધામા, નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ શરૂ 

- text


મોરબી જિલ્લા પોલીસવડા કચેરીએ ચાર ટીમનું આગમન : નિખિલના માતાપિતા પાસેથી પણ વિગતો મેળવાઈ 

મોરબી : મોરબીમાં નવ વર્ષ પૂર્વે નિખિલ પરેશભાઈ ધામેચા નામના 14 વર્ષના માસુમ બાળકનું અપહરણ થયા બાદ લાશ મળી આવ્યાના ભેદભરમ વાળા બનાવમાં સ્થાનિક પોલીસ બાદ સીઆઇડી પણ તપાસમાં સત્ય સુધી પહોંચી ન શકતા અંતે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સીબીઆઈને સોંપતા સોમવારે સીબીઆઈની ચાર જેટલી ટીમોએ મોરબીમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મોરબીમાં રહેતા અને દરજીકામ કરી ગુજરાન ચલાવતા પરેશભાઈ ધામેચાના 14 વર્ષના પુત્ર નિખિલનું તા.15-12-2015ના રોજ અપહરણ થયા બાદ તા.18-12-2015ના રોજ મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસે અપહરણ અને હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ આ ભેદભરમ સર્જનાર ઘટનામાં કોઈ નક્કર હકીકત સુધી ન પહોંચી શકતા હત્યાકેસની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી. પરંતુ સીઆઇડી પોલીસે પણ વર્ષો સુધી તપાસ કર્યા બાદ આરોપીઓ સુધી પહોંચી શકી ન હતી.

- text

દરમિયાન નિખિલ ધામેચાના પિતા પરેશભાઈ ધામેચા અને માતા કીર્તિબેન ધામેચાએ હાઇકોર્ટમાં કાનૂની લડત આપી સીબીઆઈને તપાસ સોંપવા માંગ કરતા અંતે હાઇકોર્ટે સીબીઆઈને તપાસ સોંપતા સોમવારે સીબીઆઈની ચાર જેટલી ટીમો મોરબીમાં ધામા નાખ્યા છે, સીબીઆઈની ટીમોએ હાલમાં મોરબી જિલ્લા પોલીસવડાની કચેરીએ બેઠક યોજવાની સાથે નિખિલના માતાપિતાની પણ બે કલાક સુધી પૂછપરછ કરી માહિતી મેળવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે, જો કે, સમગ્ર મામલે સીબીઆઈ ટીમોએ મીડિયા સમક્ષ વિગતો જાહેર કરી ન હતી.

- text