માળીયા મિયાણા નજીક પ્રેમલગ્ન મામલે ત્રણ યુવાનનું અપહરણ, 6 આરોપીઓ પકડાયા

- text


ભોગ બનનારને ઓનેસ્ટ હોટલે બ્રેઝા કારમાં અપહરણ કરી ભચાઉ ગોંધી રાખ્યા હતા

મોરબી : કચ્છના ભચાઉથી પ્રેમલગ્ન કરી નાસી ગયેલા યુવક અને યુવતીને શોધવા આવેલ ત્રણ યુવાનોનું માળીયા મિયાણા ખાતે આવેલ ઓનેસ્ટ હોટલેથી બ્રેઝા કારમાં છ શખ્સો અપહરણ કરી ભચાઉ તરફ નાસી જતા બનાવ મામલે ગુન્હો દાખલ કરી માળીયા મિયાણા પોલીસે ગણતરીની કલાકમાં જ છ આરોપીઓને ઝડપી લઈ અપહરણનો ભોગ બનેલ યુવાનોને મુક્ત કરાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.10ના રોજ માળીયા મિયાણા નજીક ઓનેસ્ટ હોટલેથી બ્રેઝા કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ત્રણ વ્યક્તિઓના અપહરણ કરવામાં આવતા કચ્છ ભચાઉના રહેવાસી બાબુભાઇ ભીખાભાઇ મિયોત્રાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તત્કાળ ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરવા મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

વધુમાં ફરિયાદી બાબુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્રએ ભચાઉના શિવજીભાઇ દાફડાની પુત્રી સાથે પ્રેમલગ્ન કરવાના ઇરાદે નાસી ગયેલ હોવાથી બાબુભાઈનો પુત્ર દિલીપભાઇ બાબુભાઇ મિયોત્રા, મહેશભાઇ ભીખાભાઇ બારોટ તથા કાનજીભાઇ રામજીભાઇ મિયોત્રા એમ ત્રણેય ઇકો કાર લઇ છોકરા-છોકરીને શોધવા માટે નીકળ્યા હતા અને છોકરા-છોકરીનો કોઇ અતોપત્તો ન મળતા ભચાઉ પરત ફરતા તે વખતે ઓનેસ્ટ હોટલ ખાતે ચા-પાણી પીવા માટે ઇકો કાર ઉભી રાખતા એક બ્રેઝા કારમાં છ ઇસમો આવી આ ત્રણેય વ્યક્તિઓનુ અપહરણ કરી લઇ જઇ નાસી ગયેલ હતા.

- text

બીજી તરફ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન પીઆઇ આર.સી.ગોહિલ દ્વારા અપહરણ કરનાર આરોપીઓને પકડી પાડવ અલગ-અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તપાસ શરૂ કરતા અપહરણ કરનાર આરોપી સુમિતભાઇ પ્રેમજીભાઇ દાફડાની વાડીએ ભોગ બનનારને લઇ ગયેલ હોવાની બાતમી મળતા તુરત જ ભચાઉ સ્થાનિક પોલીસની મદદથી અપહૃત ત્રણેય વ્યક્તિઓને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવી અપહરણ કરનાર આરોપી કાંતિભાઇ દેવરાજભાઇ લોચા, રમેશભાઇ રવજીભાઇ દાફડા, નરેશભાઇ વિરજીભાઇ દાફડા, ભરતભાઇ વિરજીભાઇ દાફડા, મનસુખભાઇ ઉર્ફે મનોજભાઇ નામોરીભાઇ દાફડા અને આરોપી કિશોરભાઇ ઉર્ફે કિશનભાઇ નારણભાઇ ચૌહાણ, રહે. તમામ ભચાઉ, જી.કચ્છ-ભુજ વાળાને પકડી પાડી ગુન્હામાં વપરાયેલ બ્રેઝા કાર નંબર GJ-12-FA-6195 કિંમત રૂપિયા 5 લાખ વાળી કબ્જે કરેલ હતી.

આ સફળ કામગીરી માળીયા મિયાણા પીઆઇ આર.સી.ગોહિલ, પોલીસ હેડ કોન્સટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, રણજીતસિંહ રોહડીયા, સમરથસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, જયદીપભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા અને વિજયભાઇ જાદવ દ્વારા કરવામાં આવેલ હતી.

- text