દશેરાનું પર્વ દુર્વૃત્તિઓનો ત્યાગ કરી સદવૃત્તિઓનું આચરણ કરવાની પ્રેરણા આપે છે

- text


દશેરાએ મીઠાઈ ખાવાનો અને ઘોડા દોડાવવાનો રિવાજ સૌરાષ્ટ્રમાં હજુ પણ પ્રચલિત

મોરબી : દશેરા એ નવરાત્રિના નવ દિવસ શક્તિની આરાધના કર્યા પછીના પરિપાકનો દિવસ છે. આ દિવસે મહિષાસુર રાક્ષસ પર મા દુર્ગાએ વિજય પ્રાપ્ત કર્યો હતો. આ દિવસે ભગવાન રામચંદ્રજીએ રાવણનો વિનાશ કર્યો હતો. આમ, અનિષ્ટ તત્ત્વો ઉપર ઈષ્ટ તત્ત્વોના વિજયનો દિવસ હોવાથી વિજય મુહૂર્ત અથવા વિજયોત્સવ તરીકે આ દિવસ ઉજવાય છે, કેટલાક તેને દશહરા એટલે દશ પ્રકારના પાપોને હરનાર પર્વ પણ કહે છે.

અજ્ઞાન ઉપર જ્ઞાનના, અસત્ય ઉપર સત્યના, પાપ ઉપર પુણ્યના અને દુરાચાર ઉપર સદાચારના વિજયનું પ્રતિક એવો દશેરાનું પર્વ માનવીને દુર્વૃત્તિઓનો ત્યાગ કરી સદવૃત્તિઓનું આચરણ કરવાની પ્રેરણા આપે છે. આ દિવસે બ્રાહ્મણો સરસ્વતીજીનું પૂજન કરી વિદ્યારંભ કરે છે. ક્ષત્રિયો પોતાના હથિયારો અને પશુઓનું પૂજન કરે છે. પ્રારંભમાં દશેરા એ કૃષિમહોત્સવ હતો. પાછળથી એનું સ્વરૂપ બદલાતા તે માત્ર મહોત્સવ બન્યો.

- text

પ્રાચીનકાળમાં આ દિને રાજા મહારાજાઓની સવારી નીકળતી. રાજાઓ સરહદ (સીમા) ઓળંગી શત્રુઓ પર ચઢાઈ કરતા. આજે પણ અમુક ગામડાઓમાં આ ક્ષાત્રત્વના સંસ્કારો દેખાઈ આવે છે. દશેરાના દિવસે ક્ષત્રિયો સમી (ખીજડા)ના વૃક્ષનું પૂજન કરી તેના પાંદડાને સોનું ગણીને અને થડની માટીને સુવર્ણ જેવી પવિત્ર માટી માનીને ઘરે લઈ આવે છે. દશેરાના પ્રસંગે ખૂબ મીઠાઈ ખાવાનો અને ઘોડા દોડાવવાનો રિવાજ તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ પ્રચલિત છે

- text