માળિયા(મિ.) : બે માસૂમ બાળકીના પાણીમાં ડૂબી જતા મોત

- text


કપડા ધોવા ગયેલી માતા સાથે રહેલી બન્ને બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી, માળીયાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ન હોવાથી બાળકીઓ મોતને ભેટી હોવાનો પરિવારજનોના આક્ષેપ

માળિયા : માળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા મહિલા કપડા ધોવા બે બાળકીઓને સાથે લઈ ગયા હોય, ત્યારે પગ લપસતા બાળકીઓ વોકળામાં પડી ગઇ હતી. આ બાળકીઓને તાત્કાલિક બહાર કાઢી સરકારી હોસ્પિટલે લઇ જવાઇ હતી જોકે સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા. આ મામલે માળીયાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ન હોવાથી બાળકીઓ મોતને ભેટી હોવાનો પરિવારજનોના આક્ષેપ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન તેમની દીકરી અને ભાણેજને કપડા ધોવા જતી વેળાએ સાથે લઈ ગયા હતા. ત્યારે પગ લપસતા બન્ને બાળકીઓ નાઝમીન નિઝામભાઈ માલાણી ઉ.વ. 5 અને માહેરા હુસેનભાઈ ઉ.વ.4 ડૂબી ગઈ હતી. બન્નેને તાત્કાલિક બહાર કાઢી માળીયા મિયાણા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

તેઓના સબંધી અલ્તાફભાઈ જેડાના જણાવ્યા મુજબ માળીયા મીયાણા રેફરલ હોસ્પટલ ખાતે ડોક્ટર હાજર હતા પણ ઑક્સિજનની સુવિધા ન હતી. બન્ને બાળકીઓને મોરબી રિફર કરવાની જરૂર જણાઈ હતી. અહીં એમ્બ્યુલન્સ હાજર હતી તેમાં પણ ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ ન હતી. જેથી 108ને ફોન કર્યો હતો. પણ 108 દોઢ કલાકે પહોંચી હતી. ફોન કર્યા બાદ 30 મિનિટમાં બન્ને બાળકીનો જીવ ચાલ્યો ગયો હતો.

- text

આમ માળિયા મિયાણાની રેફરલ હોસ્પિટલમાં કોઈ સારવાર ન મળતા બેદરકારીના કારણે બે માસુમ બાળકીઓનો જીવ ગયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વધુમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અહીં અપૂરતી સુવિધાઓને કારણે હાર્ટ એટેક, ડિલિવરી વખતે લોકોના જીવ ગયા છે. ઉપરાંત અહીંથી અનેક શહેરોને જોડતા હાઇવે પસાર થતા હોય, અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે દર્દીને અહીં લઈ આવવામાં આવે છે. પણ અહીં માત્ર પ્રાથમિક સારવાર જ મળતી હોય, ગંભીર ઇજા થયેલા દર્દીઓ મોતને ભેટ્યા હોય તેવા પણ બનાવ બન્યા છે.અહીં તંત્ર દ્વારા પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

બાળકી આવી ત્યારે ધબકારા ચાલુ ન હતા, હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા છે જ : હોસ્પિટલ અધિક્ષક

આ મામલે માળિયા હોસ્પિટલના અધિક્ષક ડો.અક્ષય પટેલે જણાવ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સ્નટ્રેટર છે. બન્ને બાળકી આવી ત્યારે તેના ધબકારા ચાલુ ન હતા. શ્વાસ પણ ચાલુ ન હતા. મેડિકલ ઓફિસર ડો. સત્યમ કુંડારિયાએ બનતો પ્રયત્ન કર્યો હતો. એક કલાક સુધી હદયને પમ્પિંગ આપ્યું હતું. બહારથી શ્વાસ આપ્યો હતો. જે દરમિયાન એક બાળકીનું હદય ચાલુ થઈ ગયું હતું. બીજી બાળકીનું હદય ચાલુ ન થયું તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હદય ચાલુ થયું તે બાળકીને 108 દ્વારા મોરબી સિવિલમાં રીફર કરવામાં આવી હતી. પણ તે દરમિયાન જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

- text