મોરબીમાં પ્રેમસંબંધ યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર 11 વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


જ્યાં સુધી આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવા પરિવારજનો અડગ : પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ સાત ટીમ બનાવી

મોરબી : મોરબીમાં ગતરાત્રીના ઇન્દિરાનગરમાં રહેતા યુવાનની ઘાતકી હત્યા કરી નાખવા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું ખુલ્યું છે અને મૃતકના ભાઈએ બનાવ અંગે 11 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, બીજી તરફ મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દેવાની સાથે પોલીસ મથકે લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે. દરમિયાન હત્યાના આરોપીઓને પકડી પાડવા મોરબી એલસીબી, એસઓજી અને સીટી બી ડિવિઝનની સાત ટીમો બનાવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડિયાનું ઇન્દિરાનગર નજીક આવેલ ખારાપટ્ટમાંથી અપહરણ કરી આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, કિશોર લાભુભાઈ વાઘેલા, વિશાલ કોળી, હકાભાઈ અદગામાં, કાનો હકાભાઈ, જયેશ જીવણ અદગામાં, સુનિલ જયંતિ જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરિયો રબારી અને એક અજાણ્યા શખ્સે મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતારી દેતા મૃતકના ભાઈ વિશાલ પરસોત્તમભાઈ માનેવાડિયાએ આ તમામ 11 આરોપીઓ અને તપાસના ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વધુમાં ફરિયાદી વિશાલભાઈએ હત્યાના આ બનાવ અંગે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મૃતક વિજય ઉર્ફે રવીને ત્રાજપરમાં રહેતા આરોપી હકાભાઈની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો અને બાદમાં આ ઝઘડાને કારણે તેઓ ત્રાજપર છોડી ઇન્દિરાનગરમાં રહેવા જતા રહ્યા હતા. દરમિયાન ગઈકાલે વિજય ઉર્ફે રવિ ઇન્દિરાનગરના પટ્ટમાં બેઠા હતા ત્યારે આરોપીઓએ આવી ઝઘડો કરી માર મારી માળીયા ફાટકથી બેલા તરફ લઈ જઈ મરણતોલ માર મારી વિજય ઉર્ફે રવીને રસ્તા ઉપર મૂકી નાસી ગયા હતા. બાદમાં ઘટનાની જાણ થતા મૃતકના ભાઈ સહિતના લોકો ઇજાગ્રસ્ત રવીને લઈને મોરબીની બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતો.

ઉલ્લેખનીય છે કે, વિજય ઉર્ફે રવીની નિર્મમ હત્યા બાદ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં સીટી બી ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ સીટી બી ડિવિઝન પીઆઇ વસાવાએ આ મામલે જણાવ્યું હતું કે, સીટી બી ડિવિઝન પોલીસની ચાર ટીમ અને એલસીબી એસઓજીની ત્રણ ટીમ મળી હાલમાં સાત પોલીસ ટીમ આરોપીઓને પકડી પાડવા કામે લાગી હોવાનું જણાવ્યું હતું.

- text

- text