મોરબી જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબીમાં વિકાસ સપ્તાહ નિમિત્તે વિવિધ લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન

 

મોરબી : ગત તારીખ 10-10-2024ના રોજ મોરબી નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પોષણ અને આરોગ્ય દિવસ નિમિતે લાભાર્થીઓને પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરરોજ વિવિધ થીમ આધારિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આજ દિન સુધી અનેક વિકાસકાર્યો અંગેની વિકાસગાથા જન- જન સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબીમાં પોષણ અને આરોગ્ય દિવસનો કાર્યક્રમ યોજાયો હતો.

મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ પોષણ ટોપલી અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લાભાર્થીઓને મુખ્યમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ પોષણ કીટમાં માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણા શક્તિ અને કઠોળ, મીલેટસ, રાગી બિસ્કીટસ વગેરે પોષણયુક્ત વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોષણ કીટ વિતરણનો ઉદ્દેશ્ય એ છે કે અતિ કુપોષિત અને કુપોષિત બાળકોને સમયસર અને યોગ્ય પ્રમાણમાં પોષણ મળી રહે.

કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સુશાસનકાળમાં હરહંમેશ મહિલાઓ અને બાળકોના હિતની ચિંતા વ્યકત કરી છે. રાજ્યના છેવાડાના વિસ્તારના ભૂલકા કુપોષિત ના રહી જાય તે માટે તેમના માર્ગદર્શન નીચે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી હતી. બાળકોને અને લાભાર્થીઓને પોષણ કીટના વિતરણની વ્યવસ્થા ગોઠવી હતી. આજે તેમના અથાગ પ્રયાસોના લીધે રાજ્યનો કુપોષણ દર સતત ઘટી રહ્યો છે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં કુપોષણમુક્ત ભારતનું સપનું સેવ્યું છે. જેને પરિપૂર્ણ કરવાની જવાબદારી આપણા સૌની છે. જિલ્લા વહીવટી તંત્ર છેવાડાના બાળકો સુધી પહોંચી રહ્યું છે અને બાળકોમાં જોવા મળતા કુપોષણનો અંત લાવવા માટે કટિબદ્ધ છે. ત્યારે લાભાર્થીઓએ પણ બહારના ખાદ્ય પદાર્થોની બદલે માત્ર ને માત્ર પોષણ કીટના ઉપયોગને જ પ્રાધાન્યતા આપવી જોઈએ.

- text

આ ઉપરાંત મીલેટસ અને અન્ય પોષણક્ષમ પદાર્થોમાંથી બનાવેલી વિવિધ વાનગીઓની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. લાભાર્થીઓ અને તેમના બાળકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળા પ્રમાણમાં નાગરિકોએ આરોગ્ય તપાસણી કરાવી હતી. કાર્યક્રમની સ્વાગતવિધિ અને આભારવિધિ આ.ઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રિવેદીએ કરી હતી.

ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, આઈ.સી.ડી.એસ. શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ, આશા બહેનો, લાભાર્થીઓ, વાલીઓ, ભૂલકાંઓ, આંગણવાડીના કાર્યકર બહેનો અને તેડાગર બહેનો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો સહભાગી બન્યા હતા.

- text