બહુચર્ચિત કેમિકલ ચોરી કેસમાં અંતે હળવદ યુવા ભાજપના આગેવાનને આરોપી બનાવાયો 

- text


હજુ પણ વધુ નામ ખુલે તેવી શક્યતા : બે મહિના પહેલા મોરબી એસ.ઓ.જી. ટીમે દરોડો પાડ્યો હતો

હળવદ : હળવદના બહુચર્ચિત કેમિકલ ચોરી કેસમાં અંતે બે મહિના બાદ હળવદ ભાજપના યુવા આગેવાનનું નામ ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ યુવા આગેવાનનું નામ કેમિકલ ચોરીમાં સામે આવતા જ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ગત તા. 3-8-2024 ના રોજ હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે મોરબી એસઓજી પોલીસે કેમિકલની હેરફેર કરાતી હોવાની બાતમીને આધારે કાર્યવાહી કરી હતી. આ બનાવમાં અગાઉ પાંચ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી જેલ ભેગા કર્યા હતા.જોકે આ સમગ્ર કેસમાં યુવા ભાજપ આગેવાને કેમિકલ પ્રકરણના આરોપીઓ પાસેથી રૂપિયા મેળવ્યા હોવાના પુરાવા ખુદ મુખ્ય આરોપીએ પોલીસને આપી નિવેદન પણ આપ્યું હતું. જો કે, આમ છતાં પણ પોલીસ દ્વારા યુવા ભાજપના આગેવાન સામે કોઈ કાર્યવાહી ન કરાતા આ બનાવમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને જે ઘટના સાથે સંકળાયેલા છે તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે હળવદ અને ધાંગધ્રાના પત્રકારોએ મામલતદાર તેમજ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરતા અંતે આ કેમિકલ ચોરીના બનાવમાં હળવદ શહેરના ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાનું પોલીસ દ્વારા આરોપી તરીકે નામ ખોલવામાં આવ્યું છે.

- text

બીજી તરફ આ બનાવમાં હજુ પણ અન્ય લોકોના નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નયન દેત્રોજાનુ કેમિકલ ચોરીમાં નામ ખુલતા ની સાથે જ આરોપીએ મોરબી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી જે આગોતરા જામીન મંજૂર પણ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

- text