મોરબીના સ્મશાન રોડનું કામ ટેન્ડર મુજબ ન થતું હોવાની ફરિયાદ

- text


કોન્ટ્રાક્ટર ધાક-ધમકી આપતા હોય બ્લેકલિસ્ટ કરવા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તાર, ગુલાબનગર આંબેડકર કોલોની, રોહીદાસપરા, સ્મશાન રોડના આરસીસી રોડ મંજૂર થયા છે. ત્યારે આ રોડનું કામ ટેન્ડર મુજબ ન થતું હોવાની ફરિયાદ યુથ સુપર શી કોંગ્રેસ મહિલા શહેરી પ્રમુખ કલ્પનાબેન પરમાર દ્વારા ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી છે.

કલ્પનાબેન પરમારના જણાવ્યા પ્રમાણે આ રોડનું કામ બરાબર ન થતું હોય ગટરનું પાણી શેરીઓમાં આવે છે. સાત મહિનાથી આ રોડનું ખોદકામ કર્યું છે ત્યારથી લોકો હેરાન થઈ રહ્યા છે. ઘરે ઘરે બીમારી ફેલાઈ રહી છે. કોન્ટ્રાક્ટર મનુભાઈને આ વિશે વાત કરીએ તો તેઓ તોછડાઈભર્યો જવાબ આપે છે અને જે કરવું હોય તે કરી લેજો જેવી ધમકીઓ આપી રહ્યા છે. રોડનું કામ બરાબર ન કરવામાં આવતું હોય ગટરનું અને વરસાદનું પાણી શેરીઓમાં ભરાય રહે છે. કોન્ટ્રાક્ટર દ્વારા ડુપ્લીકેટ માલ મટીરીયલ વાપરવામાં આવતું નથી. જો ટેન્ડર મુજબ કામ નહીં થાય તો ગમે ત્યારે કામ બંધ કરાવી નાખવામાં આવશે. આ અંગે વારંવાર અરજી અને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.

- text

આ અંગે ચીફ ઓફિસરને જણાવાયું છે કે, મનુભાઈ કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત કામ કરાવવા અથવા તો તેનું કામનું પેમેન્ટ ન કરવા અને રોડના કામમાંથી બ્લેકલિસ્ટ કરવા અથવા ટેન્ડર મુજબ કામ કરાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.

- text