મોરબીમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું : રાત્રીના પેપરમિલની દુર્ગંધથી લોકો પરેશાન

- text


શિયાળાના પગરવ સાથે પવનની દિશા બદલાતા સામાકાંઠા અને લીલાપર રોડ તેમજ મહેન્દ્રનગર આસપાસ સહિતના વિસ્તારમાં રાત્રીના દુર્ગંધ મામલે ફરિયાદો ઉઠી

મોરબી : સીરામીક નગર મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાને કારણે ડસ્ટિંગની સમસ્યાને કારણે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે ત્યારે શિયાળાના પગરવ સાથે હવાએ દિશા બદલતા જ શહેરના સામાકાંઠા વિસ્તારમાં તેમજ લીલાપર રોડ વિસ્તારમાં વહેલી સવારે અને રાત્રીના સમયે વીઝીબીલીટી ઘટવાની સાથે તીવ્ર દુર્ગંધ આવવાની વ્યાપક ફરિયાદો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

સીરામીક હબ મોરબી શહેરની આજુબાજુના વિસ્તારમાં આવેલા સિરામિકના 700થી વધુ એકમોને કારણે વધતા ઓછા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવાની સમસ્યા કાયમી બની છે ત્યારે સીરામીક ક્લસ્ટરમાં પાકા રોડ રસ્તાના અભાવે ઉપરાંત માટીના પરિવહનને કારણે વાહનોની વ્યાપક અવરજવર વચ્ચે ડસ્ટીંગ વધતા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદુષણની સમસ્યા વકરી છે. બીજી તરફ મોરબીના ઔદ્યોગીક વિસ્તાર ઉપરાંત રહેણાંક વિસ્તારમાં પણ છેલ્લા 15 દિવસથી પ્રદુષણની માત્રા વધી હોવાનું સામે આવ્યું છે.

- text

મોરબીના સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ખાસ કરીને સવારના સમયે મોરબીના સામાકાંઠા, સો ઓરડી, મહેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પ્રદુષણને કારણે ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ ઉપરાંત લીલાપર રોડ, ઘુંટુ, મહેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પેપરમિલો દ્વારા છોડવામાં આવતા પાણીને કારણે અસહ્ય તીવ્ર દુર્ગંધ આવતી હોય સવારે અને સાંજના સમયે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


ઋતુ બદલાવ થવાથી વીઝીબીલીટી સમસ્યા : જીપીસીબી

મોરબી શહેર અને જિલ્લામાં પ્રદુષણનું પ્રમાણ વધવા અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના અધિકારી મહેન્દ્ર સોનીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં શિયાળાની શરૂઆત થઇ હોય તેમ પવનની દિશા બદલાતા સવારના સમયે ધુમ્મસ આવી રહ્યું છે અને કચેરી દ્વારા પ્રદૂષણના આંકડાઓનું સતત મોનીટરીંગ કરવામાં અર્પણ આવી રહ્યું છે આ ઉપરાંત પેપરમીલ દ્વારા ફેલાવતા પ્રદુષણ અને દુર્ગંધ મામલે કચેરી દ્વારા તપાસ કરી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.


- text