મોરબી જિલ્લાનું વાઘગઢ ગામ નેશનલ પંચાયત એવોર્ડ માટે નોમિનેટ

- text


મહારાજા વાઘજી ઠાકોરના હાથે ગામનું તોરણ બંધાયેલ : સમૃદ્ધ ગામમાં ૧૦૦ ટકા પાકા મકાન,દરેક ઘરે નળ કનેશકન, ઘેર-ઘેરથી કચરો એકત્રિત

મોરબી : આજના સમયમાં દિવસેને દિવસે ગામડાઓ ભાંગી રહ્યા છે અને શહેરીકરણ વધી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાનું વાઘગઢ ગામ આજે પણ અડીખમ સમૃદ્ધ ગામડું બનીને ગ્રામ્યપ્રજાને શહેરમાં મળતી સુવિધાઓથી પણ વધુ સારી સુવિધાની સાથે શુદ્ધ પાણી, હવા અને શિક્ષણ સહિતની સવલતોને કારણે રાજ્યકક્ષાએ મેદાન માર્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ પંચાયત એવોર્ડ માટે નોમિનેશન કરવામાં આવ્યું છે.

નેશનલ પંચાયત એવોર્ડ માટે મોરબી જિલ્લામાંથી પ્રથમ વખત નોમિનેશન કરવામાં આવ્યું છે જેમાં ટંકારા તાલુકાના વાઘગઢ ગામને અગાઉ રાજ્ય કક્ષાએ પસંદ થતા હવે નેશનલ એવોર્ડ માટે નોમિનેશન કર્યું છે. નેશનલ પંચાયત એવોર્ડ માટે જુદી જુદી 9 થીમ ઉપર અરજી કરવાની હોય છે જેમાં સેલ્ફ સફિસિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન પંચાયત, સોશ્યલ જસ્ટિસ અને સોશ્યલ સિક્યોર્ડ પંચાયત, પંચાયત વિથ ગુડ ગવર્નર્સ અને વુમન ફ્રેન્ડલી પંચાયત સહિતના 9 વિષયો હોય છે. એવોર્ડ માટે પહેલા ગ્રામ પંચાયત ઓનલાઇન એન્ટ્રી કરે ત્યાર પછી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયત ત્રણ ત્રણ ગામ પસંદગી કરી યાદી જિલ્લા પંચાયતમાં મોકલે છે અને જિલ્લા પંચાયત દરેક થીમ પર ત્રણ ત્રણ ગામ પસંદ કરી રાજ્ય સરકારમાં મોકલે છે જેમાં મોરબી જિલ્લામાંથી સેલ્ફ સફિસિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન પંચાયત થીમ ઉપર મોરબી જિલ્લાનું વાઘગઢ ગામ પસંદગી પામતા હવે રાષ્ટ્રીય લેવલે નોમિનેશન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ વાઘગઢ ગામ ટંકારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું છે. ઈ.સ. 1928 માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોરના હાથે ગામનું તોરણ બંધાવ્યું હતું ત્યારથી ગામને વાઘગઢ તરીકે ઓળખ મળી છે. ગામના નિર્માણ સમયે મહારાજા વાઘજી ઠાકોરે ગામના પાદરે ગ્રામજનોના પીવાના પાણી માટે કુવાનું બાંધકામ પણ કરાવ્યું હતું. ગામની અંદાજિત વસ્તી 495 જેટલી છે. અંદાજે નવ એકરમાં ફેલાયેલ વાઘગઢ ગામનો મુખ્ય ધંધો ખેતી છે. ગામમાં એક પ્રાથમિક શાળા આવેલ છે તેમાં 72 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામમાં પાંચ વર્ષથી નાના બાળકોના પાલણ પોષણ માટે આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ છે.

વાઘગઢ ગામની વિશેષતા જોઈએ તો વાઘગઢ ગામમાં મુળભુત પાયાની તમામ સુવિધાઓ ગ્રામ પંચાયત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જલ જીવન મિશન(હર ઘર જલ) અંતર્ગત ગામમાં દરેક ઘરે નળ કનેશકન ધ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવેલ છે. દરેક શેરીઓને મહા પુરૂષોનાં નામથી નાંમાકન કરવામા આવેલ છે. દરેક શેરીઓને પ્રકાશની સુવિધા પુરી પડે તે માટે સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવેલ છે.ગામમાં સી.સી.ટીવી કેમેરા પણ લગાડવામાં આવેલ છે.ગામમાં ૧૦૦ ટકા પાકા મકાન છે.ગામમાં ૧૦૦ ટકા પાકા રસ્તાઓ છે. ગામમાં ઘેર – ઘેર જઈ કચરો લેવા માટે ઈ-રીક્ષા દ્વારા કચરો એકત્રિત કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળામાં બાળકો માટે પુસ્તકાલય છે. વિદ્યાર્થી માટે રમતનું મેદાન, તેમજ બગીચોઆવેલ છે. વાઘગઢ ગામમાં આયુર્વેદિક ઔષધી વન આવેલ છે. જેના થકી ગામ લોકોને આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રાથમિક સારવાર મળી રહે છે. ગામલોકોને ગ્રામ પંચાયત કચેરીએથી ઈ ગ્રામ દ્વારા આવકના દાખલા, ગામ નમુના નં ૭/૧૨, ૮ (અ),ઈ-શ્રમ કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ સહાય વિગેરે સેવાઓનો લાભ આપવામાં આવે છે. આમ વાઘગઢ ગ્રામ પંચાયત દ્વારા ગામજનોને તમામ પ્રકારની પ્રાથમિક અને માળખાકિય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


વાઘગઢની વિશેષતા

ગામમાં ૧૦૦% સ્ત્રી પ્રસુતિકરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં કરવામાં આવેલ છે. ગામમાં આવેલ ખેતી લાયક જમીનનું સિંચન ખેડુતો દ્વારા ૭૦% ટપક પધ્ધતી તથા ફુવારા પધ્ધતીથી કરવામાં આવે છે. ગામમાં પંચાયત વેરા વસુલાત ૧૦૦% કરવામાં આવે છે.ગામમાં 20 વર્ષ પહેલા માત્ર 700 વૃક્ષ હતા આજે ગામ નંદનવન બન્યું છે અને અહીં 4000થી વધુ વૃક્ષ પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે ગ્રામજનોને શુદ્ધ ઓક્સિજન પૂરો પડી રહ્યા છે.


સોલાર પેનલ લગાવી ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર બનશે વાઘગઢ

વાઘગઢ ગામનાં વિકાસ ને વધુ સુચારું બનાવવા તેમજ વધુ ઉતકૃષ્ટ સુવિધાઓ વિકસાવવા ગામલોકો તથા દાતાઓ દ્વારા જરૂરિયાત સમયે સામાજિક જવાબદારીના ભાગ રૂપે ફાળો આપવામાં આવે છે જે લોકભાગીદારીનું જ્વલંત સ્વરૂપ છે. ખાસ કરીને સમૃદ્ધ વાઘગઢ ગામને વધુ સમૃદ્ધ બનાવવા માટે રોડમેપ ઘડી કાઢવામાં આવ્યો છે જે અન્વયે આવનાર સમયમાં સમગ્ર ગામને સોલાર પાવર સંચાલિત બનાવી ઊર્જા જરૂરિયાતમાં આત્મનિર્ભર બનવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાથે સમગ્ર ગામને કચરા મુક્ત કરી પર્યાવરણ સાથે અનુકૂળતા કેળવી, યોગ શાળા થકી આધ્યાત્મ વિકાસ, પ્રાથમિક સારવાર કેન્દ્ર થકી આરોગ્યની સુવિધા અને પુસ્તકાલય થકી બાળકોનો બૌદ્ધિક વિકાસ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

- text


છેલ્લા 4 ટર્મથી સમરસ ગ્રામ પંચાયત થાય છે – સરપંચ

ટંકારાના વાઘગઢ ગામ છેલ્લા ચાર ટર્મથી સમરસ થતું આવ્યું છે. ચાર ટર્મથી વલ્લભભાઈ લાલજીભાઈ બારૈયા સરપંચ તરીકે બિન હરીફ ચૂંટાઈ આવે છે. તેઓ કહે છે કે 20 વર્ષ પહેલા હું સરપંચ પદે આવ્યો ત્યારે ગામમાં કોઈ સુવિધા ન હતી. માત્ર 300 જેટલા વૃક્ષો હતા પરંતુ 20 વર્ષમાં ગામ લોકો, ગામના ઉદ્યોગપતિઓના સહકાર તેમજ શિક્ષકો, તલાટીઓના સહકારથી ગામને નંદનવન બનાવ્યું અને આજે ગામમાં 700 જેટલી વસ્તી છે અને 4200 જેટલા વૃક્ષો છે. જેમાંથી દુર્લભ 80 જેટલા ઓષધિય વૃક્ષો પણ છે, આખા ગામને કલર કરવામાં આવ્યો છે. ગામની ભીંતો ની અંદર બાળકો સહેલાઈથી શીખી શકે તે પ્રમાણે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. એક -એક શેરીને આઝાદની લડવૈયાના નામ આપવામાં આવ્યા છે શાળામાં ભારત રત્ન પાર્ક બનાવી તમામ આઝાદી અપાવનાર મહાનુભાવોના સ્ટેચ્યુ મૂકી તેના જીવન ચરિત્ર વિશેની વિગત મુકવામાં આવી છે. અંતમાં તેમને ઉમર્યું કે અમને આશા છે કે અમારું ગામ રાષ્ટ્રીય લેવલે પસંદગી પામશે.


વાઘગઢ ગામમાં વ્યક્તિ દીઠ 6 વૃક્ષ

જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે વાઘગઢ ગામ સ્વબળે આગળ આવેલું ગામ છે. અહીં વ્યક્તિ દીઠ છ વૃક્ષ આવેલા છે, સાથે જ ગર્ભાશયનું કેન્સર અને બીપીના દર્દ મટાડી શકે તેવા ઔષધીય વૃક્ષો સહીત મોટી સંખ્યામાં આયુર્વેદિક વૃક્ષોનું વાવેતર કરવામાં અવાયું છે, આ ઉપરાંત નવરાત્રીમાં જ 2000 જેટલા આંબાનું વાવેતર કરવામાં આવ્યું જેનું નામ માં અંબિકા ઉપવન નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લીમડો, પીપળા સહિતના 4000 થી વધુ વૃક્ષો ગામમાં છે. અમને આશા છે કે વાઘગઢ ગામ નેશનલ લેવલે પસંદગી પામશે.


- text