મોરબી યાર્ડમાં કપાસની આવક શરુ, પૂરો ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી

- text


પ્રતિ મણ કપાસના ખેડૂતોને મળી રહેલા 1300થી 1400 રૂપિયાના ભાવ

મોરબી : મોરબી જિલ્લામાં ઓણસાલ ખરીફ સીઝનમાં ખેડૂતોએ મગફળીની બદલે મોટાપ્રમાણમાં કપાસનું વાવેતર કરી સારી આવક મેળવવા સ્વપ્ન જોયા હતા પરંતુ ભારે વરસાદને કારણે કપાસના પાકને ભારે નુકસાન થતા ઉતારા ઘટીને અડધા થઇ જવાની સાથે જે થોડો ઘણો પણ કપાસ બચ્યો હતો તે વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો લાવી રહ્યા છે પરંતુ ખેડૂતોને મહેનત પ્રમાણે પૂરતો ભાવ મળતો ન હોવાનું ખેડૂતો નિસાસા સાથે જણાવી રહ્યા છે. ચાલુ વર્ષ નવા કપાસના નીચામાં 1300 અને ઉંચો ભાવ 1638 રહ્યો હતો.

ચાલુ વર્ષમાં ખરીફ સીઝનમાં સમયસરના વાવણીના વરસાદની સાથે જ અનેક ખેડૂતોએ આગોતરું વાવેતર કરી મોટાપ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ જન્માષ્ટમીના તહેવાર સમયે જ હેલી સ્વરૂપે સતત ભારે વરસાદને કારણે ખેડૂતોએ લોહી પાણી એક કરી ઉછેરેલ કપાસ બળી જતા મોરબી જિલ્લામાં કપાસનું અડધો અડધ વાવેતર સાફ થઇ ગયું હતું. બીજી તરફ ખેડૂતોનો જેટલો કપાસ બચ્યો હતો તેમાં રૂ ઉતરવાનું શરૂ થતા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસથી ધીમી ધારે કપાસની આવક થઇ રહી છે જેમાં છેલ્લા 5 દિવસથી આવકમાં વધારો થયો છે

બીજીતરફ માર્કેટિંગયાર્ડના સત્તાવાર આંકડા મુજબ ઓક્ટોબર મહિનાના 7 દિવસમાં યાર્ડમાં 1462 મણ કપાસની અવાક થવા પામી છે જેમાં જેમાં તા. 1 ના રોજ 380, 2 ના રોજ 525, 3 ના રોજ 770, 4 ના રોજ 1140, 5 ના રોજ 1272, 7 ના રોજ 1656 અને 8 ના રોજ 1565 કવીન્ટલ કપાસની આવક થઇ છે. જો કે, હાલમાં યાર્ડમાં કપાસ વેચવા આવતા ખેડૂતો કપાસના પૂરતા ભાવ ન મળતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે અને પ્રતિમણ કપાસના 1300થી 1400 રૂપિયા મળી રહ્યા હોવા છતાં નાણા ભીડને કારણે મને કમને કપાસ વેચી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.ચાલુ વર્ષ નવા કપાસના નીચામાં 1300 અને ઉંચો ભાવ 1638 રહ્યો હતો.


ભારે વરસાદના કારણે કપાસનો અડધો-અડધ પાક બગડી ગયો

મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા આવેલા ટંકારાના ખેડૂત પ્રકાશભાઈ દુદકીયાએ જણાવ્યું હતું કે દર વર્ષે 20 વિધામાં વાવેલ કપાસમાં પ્રથમ ઉપજ 200 થી 250 મણ જેવું ઉત્પાદન થાય છે પરંતુ આ વર્ષે પાછોતરા વરસાદના કારણે ઉતારા ઘટી ગયા છે અને માંડ 100 મણ જ કપાસ થયો થયો છે. કપાસના ભાવ 1800 થી 2000 રૂપિયા હોવો જોઈએ અને ભેજ વાળો હોય તો 1650 મળવો જોઈએ તેના બદલે માત્ર મણે 1420ના જ ભાવ મળ્યા હોવાનું જણાવ્યું હતું.

- text


તેલના ડબ્બાના ભાવ આસમાને પણ ખેડૂતોને કપાસના ભાવ મળતા નથી

મોરબી યાર્ડમાં કપાસ વેચવા આવેલા મોરબી તાલુકાના ધરમપુરના ખેડૂત ગોરધનભાઈ સનૂરાએ જણાવ્યું હતું કે વરસાદે બધું બગાડી નાખ્યું છે. મેં મારા કપાસનો 1800-1900 નો ભાવ ધાર્યો હતો જે 1425 ના ભાવે જ વેચાયો છે. એક બાજુ દિવસેને દિવસે કપાસિયા તેલના ભાવ વધી ને 2200-2300 થઇ ગયા છે અને અહીં ખેડૂતોને પૂરો ભાવ પણ મળતો ન હોવાનું તેઓએ રોષ સાથે જણાવ્યું હતું.


- text