હળવદમાં હેતુફેર શરતભંગ કાર્યવાહી માટે પુરાવા મંગાતા રહેવાસીઓમાં ફફડાટ 

- text


શ્રીજી નગર સોસાયટીના રહેવાસીઓને ચીફ ઓફિસરે પુરાવા સહિત હાજર રહેવા ફરમાન કર્યું : કલેકટરના આદેશ મુજબ કાર્યવાહી કરાતી હોવાનું ચીફ ઓફિસરનું કથન 

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછલા ઘણા સમયથી રાજકીય ઓથ ધરાવતા તત્વો લોકોની જમીનો પર ખોટા વારસદાર ઊભા કરી જમીનો પચાવી પાડવાનો ખેલ ચાલુ કર્યો છે.તેવામાં મોરબી ચોકડી નજીક વર્ષોથી વસવાટ કરતા રહેવાસીઓ પાસે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા રહેણાંકના આધાર પુરાવા માંગવામાં આવતા રહેવાસીમાં ફફડાટ મચી ગયો છે. આ મામલે આજે રહેવાસીઓએ ચીફ ઓફિસરને પણ રજુઆત કરી હતી.

હળવદ શહેરમાં આવેલ શ્રીજી નગર સોસાયટીના રહેવાસીઓ પાસે નગરપાલિકા દ્વારા રહેણાંકના આધાર પુરાવા રજૂ કરવા ફરમાન થતા રહેવાસીઓમાં ફફ્ત જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, શ્રીજીનગર સોસાયટી રહેણાંક હેતુ માટે બિનખેતી થઇ હોવા છતાં પણ અહીં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટરના ધ્યાને આવતા જિલ્લા કલેકટરના આદેશ મુજબ શરતભંગ કાર્યવાહી સબબ રહેવાસીઓ પાસેથી આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, હળવદમાં જે તે સમયે જમીનનું પ્લોટીંગ કરતી વેળાએ ધારા ધોરણ મુજબ રોડથી 40 મીટર અથવા તો 75 મીટર જગ્યા મૂકી હોય જે જગ્યા સંપાદન પણ થઈ ગઈ હોય અને હવે તેમાં કોઈનો માલિક હક્ક રહેતો ન હોવા છતાં પણ ખોટા વારસદાર ઉભા કરી કાગળ પર રી-સર્વે કરી રોડ પર મુકાયેલી જમીન પર કબજો જમાવી રહ્યા છે.આવી હળવદ શહેરમાં જુદી જુદી ત્રણ જગ્યાએ ઘટના બની હોવાનું સામે પણ આવ્યું છે.

વધુમાં ભરતભાઈ કણઝારીયા, કાળુભાઈ પટેલ,મનિષભાઇ રંગાડીયા સહિતના પ્લોટ ધારકોએ જણાવ્યું હતું કે આ જગ્યાનું પ્લોટીંગ વર્ષ 2004 માં થયું હતું,જે તે સમયે રોડથી મોકાનો પ્લોટ હોય જેના કારણે ઊંચા ભાવે અમે અમારી પરસેવાની કમાણીથી પ્લોટની ખરીદી કરી હતી અને હાલ આ પ્લોટ પર નાના-મોટા ધંધાઓ અમે કરીએ છીએ પરંતુ વગદાર આગેવાનો અમારા પ્લોટથી આગળ પડેલી ખુલ્લી જમીન પર ખોટો હકક વારસ ઉભો કરી અમને જાણ કર્યા વગર કાગળ પર રિસર્વે કરી મોકાની જગ્યા પર કબજો કરવા માંગે છે.આ અંગેનો કેસ પણ મોરબી કલેકટર કચેરીમાં ચાલુ છે. જ્યાં અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારા પ્લોટ માટે હાઇકોર્ટ સુધી પણ લડત આપશું.

- text