માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો : ભારતીય સંસ્કૃતિમાં ચારેય નવરાત્રીનું અનેરું માહાત્મ્ય

કંદમૂળ, શાકભાજી અને ફળફૂલની અધિષ્ઠાત્રી દેવી ‘શાકંભરી’ મનાય છે

મોરબી : નવરાત્રિ એટલે આદ્યાશક્તિનું મહાપર્વ. ભારતવર્ષના જુદા જુદા પ્રદેશોમાં ચાર નવરાત્રિઓ ઉજવાય છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

૧. ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની ઉપાસના માટે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ – અજવાળીયું) દરમિયાન ઉજવવામાં આવે છે.

૩. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહાનવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણ કે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ – અજવાળીયું) થાય છે.

૪. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)માં નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ – અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.

૫. (વૈકલ્પિક) માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ – અજવાળીયું) દરમિયાન કરાય છે.


શાકંભરી નવરાત્રિ એટલે શું?

ભારતીય સંસ્કૃતિમાં કંદમૂળ, શાકભાજી અને ફળફૂલની અધિષ્ઠાત્રી દેવી ‘શાકંભરી’ મનાય છે. ‘શાકંભરી’ એટલે શાકભાજી દ્વારા લોકોનું ભરણપોષણ કરનારી દેવી. ભયંકર દુષ્કાળ સમયે આકાશમાંથી વરસાદ વરસાવીને તે દેવીએ શાકભાજી-ફળફૂલ ઉગાડેલાં અને એ રીતે લોકોની રક્ષા કરેલી. ભૂખ્યાજનોનો જઠારાગ્નિ ઠારવા દેવી જગદંબા ધરતીલોક ઉપર ‘શાકંભરી’ સ્વરૂપે અવતરે છે. એની આરાધનામાં ‘શાકંભરી નવરાત્રિ’  ઉજવાય છે.


વર્ષની ચાર નવરાત્રિઓમાંથી માત્ર બેની ઉજવણી શા માટે?

અન્ય નવરાત્રિનો આરંભ સુદ એકમથી થાય છે જ્યારે શાંકભરી નવરાત્રિનો આરંભ સુદ આઠમથી થાય છે. આ ચાર નવરાત્રિ પૈકી આસો અને ચૈત્રી – આ બે નવરાત્રિનું સર્વાધિક મહત્વ મનાયું છે. દેવીભાગવતમાં પણ આ બે નવરાત્રિઓનું મહત્વ વિશેષ મનાયું છે. આ બે નવરાત્રિઓ ભારતભરમાં ઉજવાય છે. શાકંભરી નવરાત્રિ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ઉજવાય છે, અન્યત્ર એનો પ્રચાર નથી. અષાઢી નવરાત્રિ એટલી જાણીતી થઈ નથી.


ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિમાં તફાવત

ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમથી નોમ સુધી ઉજવાય છે, જ્યારે આસો નવરાત્રિ આસો સુદ એકમથી નોમ સુધી ઉજવાય છે. મહારાષ્ટ્ર, ઉત્તર ભારત અને ગુજરાત વગેરેમાં દેવીશક્તિની ઉપાસના માટે ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન કરાય છે. ચૈત્રી નવરાત્રિમાં રામ-પરિવાર અને શિવ-પરિવારના તહેવારોનો સંગમ થાય છે, જેમ કે- ગૌરીત્રીજ, વિનાયકચોથ, સ્કન્દષષ્ઠી, રામનવમી વગેરે. ચૈત્ર માસમાં આરોગ્યની જાળવણી માટે લીમડાના રસનું સેવન કરાય છે. ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર સુદ એકમથી નવા વર્ષનો આરંભ થાય છે અને તે દિવસથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે.  ચૈત્રી નવરાત્રિમાં યજ્ઞ વધારે થાય છે.

આમ તો બન્ને નવરાત્રિઓમાં નવદુર્ગાનાં નવેય દેવીસ્વરૂપોની આરાધના થાય છે, આસો નવરાત્રિમાં પણ નવદુર્ગાની આરાધના થાય છે. પરંતુ ચૈત્રી નવરાત્રિના જેવા વિવિધ તહેવારો આસો નવરાત્રિ દરમિયાન આવતા નથી. એટલે આસોની નવરાત્રિમાં વિવિધ વ્રતો કરાતાં નથી. શિવ અને શક્તિ બન્ને નહીં પણ માત્ર શક્તિની પૂજા-ઉપાસના થાય છે.