નુકસાનીનો સર્વે પૂર્ણઃ મોરબી જિલ્લામાં 50 ટકા પાકનો સફાયો, કપાસને 80 ટકા નુકસાન

- text


ખેતીવાડી વિભાગ સહિતની 29 ટીમ દ્વારા 33 દિવસમાં સર્વે પૂર્ણ કરાયો

મોરબી : મોરબી જિલ્લામાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ ત્રાટકેલા હેલી જેવા વરસાદ અને બાદમાં મોરબીના મચ્છુ-2 આને મચ્છુ-3 ડેમમાંથી વિક્રમી જળરાશી છોડવાને કારણે મોરબી જિલ્લામાં ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું જેમાં સરકાર દ્વારા ખેડૂતોને થયેલ પાક નુકશાન મામલે સર્વે શરૂ કરાવતા 33 દિવસના અંતે આ સર્વે પૂર્ણ થયો છે અને ખેડૂતોના ખરીફ પાકમાં અંદાજે 50 ટકા નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ સતત પાંચ દિવસ સુધી હેલી સ્વરૂપે વરસાદ વરસ્યા બાદ મોરબીના મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમમાંથી વિક્રમી કહી શકાય તેવો જળજથ્થો છોડવામાં આવતા મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના ખેડૂતોને સૌથી વધુ નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ખેડૂતોને ખરીફ પાકમાં ભારે વરસાદ બાદ થયેલ નુકશાન અંગે સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ સહિતની 29 ટીમોને સર્વેક્ષણ માટે મેદાનમાં ઉતારવામાં આવતા 33 દિવસના અંતે ખેતીવાડી સર્વે પૂર્ણ થયો છે જેમાં સતાવાર રીતે મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં ખેડૂતોને 48.37 ટકા પાક નુકશાન ગયાનું તારણ કાઢવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 3,14,944 હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું અને સમયસર વરસાદ આવ્યો હોય મોટાભાગના ખેડૂતોને સારી ઉપજ આવવાની આશા હતી પરંતુ ભારે વરસાદ અને વરસાદ બાદ પૂર્ણા પાણીએ ખરીફ પાકની પથારી ફેરવી દેતા પાંચ તાલુકાના 1,51,789 ખેડૂતોના ખેતરમાં રહેલા પાકનો સફાયો થયો હતો અને જિલ્લામાં કુલ 1,52,360 હેકટરમાં નુકસાન થયું હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.


માળીયા તાલુકામાં સૌથી વધુ નુકશાન

મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને બાદમાં પુરના પાણી ફરી વળતા જિલ્લાના પાંચેય તાલુકામાં ખેડૂતોના ખરીફ પાકને વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયું છે જેમાં સૌથી વધુ નુકશાન માળીયા તાલુકામાં થયું છે. સરકારના આંકડા મુજબ માળીયા(મી.) તાલુકામાં 85 %, વાંકાનેર તાલુકામાં 65 %, મોરબી તાલુકામાં 62 % ટંકારા તાલુકામાં 34 % અને હળવદ તાલુકામાં 5 % નુકસાની થઇ છે.

- text


કપાસનો 80 ટકા પાક સાફ

મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 3,14,944 હેકટર વિસ્તારમાં ખરીફ વાવેતર થયું હતું જેમાંથી 1,52,360 હેકટરમાં નુકસાન આવ્યું છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં ખરીફ સીઝનમા મગફળી, દિવેલા, અજમો, તુવેર, શાકભાજી, ઘાસચારો,સહિતના પાકોમાં 33 % કે તેથી વધુની નુકસાની થઇ છે જેમાં સૌથી વધુ કપાસનું 2 લાખ હેકટર વાવેતર થયું હતું જે પૈકી 1,20,000 હેક્ટરમાં નુકસાન થયું હોવાના સત્તાવાર સર્વેમાં બહાર આવ્યું છે.


જિલ્લાના 95,689 નાના/સીમંત ખેડૂતોને નુકસાની

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગ સહિતની 29 ટિમ દ્વારા 33 દિવસ સુધી કરવામાં આવેલ સર્વેમાં કુલ 95,689 નાના અને સીમાંત ખેડૂતોને ખરીફ પાકમાં નુકશાન થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે ત્યારે આ સર્વે રિપોર્ટ ગાંધીનગર સુપરત કરવામાં આવ્યા બાદ ખેડૂતોને થયેલ પાક નુકશાન અંગેની સહાય નક્કી કરી ચુકવણા કરવામાં આવશે.


ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાની

તાલુકો વાવેતર 33 % થી વધુ નુકસાન ખેડૂતોની સંખ્યા નુકસાની ટકાવારીમાં

મોરબી 89140 55582 60727 62 %
માળીયા 48872 41633 32879 85 %
ટંકારા 40750 14073 10850 34 %
વાંકાનેર 57751 37415 43155 65 %
હળવદ 77731 3657 4178 05 %

કુલ 314944 152360 151789 48.37 %


- text