ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાની માંગ સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આવેદન

- text


હિંદુ સંગઠનોના આગેવાનોએ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : ગઈકાલે તારીખ 6 ઓક્ટોબરના રોજ મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક મોરબી સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં પ્રેસ કોન્ફરન્સ બાદ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને હિંદુ સંગઠનોના આગેવાનોએ મળીને આવેદનપત્ર આપ્યું હતું.

હિંદુ સંગઠનોના જણાવ્યા પ્રમાણે, બહુમતિ હિંદુ ધર્મના લોકો ગૌમાતાને ધાર્મિક આસ્થાનું પ્રતિક માને છે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ ગાયને પશુ ગણવા માટે ના પાડવામાં આવી છે. આમ છતાં ભારત સરકારે ગૌમાતાને પશુની શ્રેણીમાં ગણી આ બાબતને બંધારણની કલમ 48 હેઠળ રાજ્ય સરકારનો વિષય બનાવ્યો છે. તેથી ગાય માતાને પશુ શ્રેણીમાંથી હટાવીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. આ મામલે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મોરબીના સર્વે હિંદુ સંગઠનના આગેવાનોએ મળીને આવેદનપત્ર આપ્યું હતું. આ માગ સાંસદ વિનોદ ચાવડાને આપવામાં આવે અને તેના માધ્યમથી સરકારને આ રજૂઆત પહોંચાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

આ પ્રસંગે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય, હિન્દુ યુવા વાહિની, મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહાકાલ ગ્રુપ મોરબી, શિવ શક્તિ સેવા સંગઠન, અર્જુન સેના, હિન્દુ જાગરણ મંચ, ધર્મજાગરણ મંચ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, કેસરીનંદન ગ્રુપ, એકતા એજ લક્ષ સંગઠન સહિતના હિંદુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text