માંનો ગરબો રે, ઘૂમે રાજને દરબાર : અખિલ બ્રહ્માંડના ભ્રમણનું પ્રતીક છે ગરબો

ગરબાની અંદર ‘દીવડો’ જ્યોતિસ્વરૂપ દેવીશકિતનું પ્રતીક છે

મોરબી : ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ એટલે નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાની ભક્તિ કરવા માટે વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતી માતારૂપી ગરબાનું વિસર્જન થાય છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમ કે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.


નવરાત્રિમાં દીવડા સાથેના ગરબાનું મહત્વ

‘દીવડો’ તો જ્યોતિસ્વરૂપ દેવીશકિતનું પ્રતીક છે. તેથી, નવરાત્રિમાં દીવડા સાથે ગરબાનું મહત્વ છે. ભારતીય સંસ્કૃતિ કૃષિપ્રધાન છે. આસોમાં નવા તૈયાર થયેલા ધાન્યનો આનંદ પ્રગટ કરવા નવરાત્રિના પહેલા જ દિવસે, માતાજીના સ્થાન કે ગોખમાં ઘટસ્થાપન કરી, એની આસપાસ ઘઉં જેવા નવા ધાન્યોના જવારા ઉગાડાય છે, નવેય દિવસ ઘટનું પૂજન થાય છે અને દશેરાએ-દશમીએ જવારાનું જળાશયમાં વિસર્જન કરાય છે. વળી, જગદંબા માતાજીનો મહિમા ગાવા નવરાત્રિના નવેય દિવસ નારીઓ થોડાક ઘઉં ભરેલા ઘટમાં દીપક પ્રગટાવી તે માથે મૂકી ગરબે ઘૂમે છે. મસ્તકે મૂકાતા તે ઘટનું પણ નવરાત્રિએ વળાવીને તેનું વિસર્જન કરાય છે.


નવરાત્રિએ ગરબા રમવા પાછળનું કારણ

નવરાત્રિએ દેવીશક્તિની આરાધનાનું જ્યોતિર્મય માધ્યમ ‘ગરબો’ છે. ‘ગર્ભદીપ’ શબ્દ પરથી ‘ગરબો’ શબ્દ બન્યો છે. કોરેલા માટીના કે તાંબા-પિત્તળના ઘડામાં દીપ-જ્યોત મૂકાય, તેને પણ ‘ગરબો’ કહેવાય છે. આ કુંભની આસપાસ કે કુંભને માથે મૂકીને નારીઓ વર્તુળાકારે ચાચર-ચોકમાં ઘૂમે તેને ‘ગરબો’ કહે છે. ગરબે ઘૂમતી વખતે માતાજીની આરાધનામાં ગવાતાં ગીતોને પણ ‘ગરબા’ કે ‘ગરબી’ કહે છે. માતાજીનો આ રીતે મહિમા ગાવા ગરબા રમાય છે. ગરબે ધૂમતી વખતે બ્રહ્માંડની જનની એવી દેવીશક્તિને પણ ગરબે ઘૂમવા આમંત્રણ અપાય છે. ગરબો તો અખિલ બ્રહ્માંડના ભ્રમણનું પ્રતીક પણ બની રહે છે.