સફેદ સોના સમાન કપાસ એ માનવજીવન, અર્થવ્યવસ્થા અને પ્રકૃતિ સાથે જોડાયેલું મહત્ત્વનું તત્ત્વ

૭ ઓક્ટોબર : વિશ્વ કપાસ દિવસ – આ વર્ષની થીમ છે ‘શુભ માટે કપાસ’

કપાસના વાવેતરમાં ગુજરાત દેશમાં શિરમોરઃ સંકર કપાસની જાત એ ગુજરાતની વિશ્વને દેન 

ત્રણ એફ માટે જાણીતો કપાસ : ફાઈબર રેસા, ફુડ-ફીડ અને ફોસીલ

મોરબી : શુભકાર્ય-ધાર્મિક કાર્યની શરૂઆત હંમેશા દીપ પ્રાગટ્યથી કરવામાં આવે છે. દીપ પ્રગટાવવા વાટની જરૂર રહે છે અને વાટનું રૂ એ કપાસમાંથી બને છે. સાત ઓક્ટોબર એટલે વિશ્વ કપાસ દિવસ. જેની વર્ષ ૨૦૨૪ની થીમ છે ‘Cotton for Good’ – ‘શુભ માટે કપાસ’.

કપાસ એ માત્ર ખેતીપાક જ નથી, પણ માનવજીવન, અર્થ વ્યવસ્થા અને પ્રકૃતિ સાથે જોડાયેલું મહત્ત્વનું તત્ત્વ છે. કપાસ એવો રોકડીયો પાક છે જેનો નાળીયેરની જેમ સંપૂર્ણ ઉપયોગ થાય છે. કપાસ તેના ત્રણ એફ માટે જાણીતો છે. એક ફાઈબરરેસાઃ કપાસના ફૂલમાંથી ફાઈબર રેસા મળે છે, જેમાંથી કાપડ બને છે. બીજું ફુડ અને ફીડ – કપાસીયા બીજમાંથી તેલ નીકળે છે અને પશુઓ માટે ખોળ બને છે. ત્રીજું ફોસીલ – બળતણઃ કપાસની ડાળીઓ બળતણ માટે અને ભુસું બાયોકોલ માટે ઉપયોગી છે. આથી જ કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે.

આફ્રિકા ખંડના સહારા રણ વિસ્તારના અવિકસિત ચાર દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને ‘કપાસના ચાર દેશોનું જૂથ’ (Cotton Four Countries) તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથે વિશ્વ વ્યાપાર સંગઠન (World Trade Organization) સમક્ષ દર વર્ષની ‘૭ ઓક્ટોબર’ને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે મુજબ, વિશ્વ વ્યાપાર સંગઠને ૨૦૧૯થી સાતમી ઓક્ટોબરે પ્રથમ વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરી હતી. જો કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ‘કપાસના ચાર દેશોના જૂથ’ના પ્રસ્તાવને ૩૦મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ મંજૂરી આપી હતી. એ પછી ૭મી ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકેની યુ.એન.ની માન્યતા મળી હતી.

કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત હજ્જારો વર્ષથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. ઋગ્વેદમાં પણ કપાસનો ઉલ્લેખ છે. મોહે-જો દડોની સંસ્કૃતિના અવશેષોમાં પણ કપાસના અવશેષો જોવા મળ્યા છે. ભારતમાં કપાસના ઉત્પાદન-વ્યાપારને વેગ આપવા કેન્દ્ર સરકારે ‘સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ’ની સ્થાપના પણ કરેલી છે.

કપાસ એ ગુજરાત રાજયનો મુખ્ય રોકડિયો પાક છે. સમગ્ર ભારતમાં ૨૦૨૨-૨૩માં કપાસના ઉત્પાદનમાં ગુજરાત ૯૧.૮૩ લાખ ગાંસડીઓ સાથે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

આઝાદી પહેલા કપાસ અને ગૃહઉદ્યોગો એકબીજાના પર્યાય હતા. ખેડૂતો-વણકરોની જીવાદોરી કપાસ હતો. મહાત્મા ગાંધીજીએ પણ ચરખાની મદદથી લોકો સ્વદેશી કાપડ અપનાવે તેવી ઝુંબેશ ચલાવી કપાસના ઉત્પાદન તથા ખપતને વેગ આપ્યો હતો.

બ્રિટીશ શાસન દરમિયાન ભારતમાં અમેરિકન કપાસની જુદી-જુદી જાતોને પ્રચલિત કરવામાં આવી. છતાં મિલોની જરૂરિયાત મુજબના કાપડ માટે ભારતે અન્ય દેશોમાંથી લંબતારી કપાસ આયાત કરવો પડતો હતો. જેથી વિદેશી હુંડિયામણ ખર્ચાતું હતું. વર્ષ ૧૯૨૧ના ઈન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટીની સ્થાપના થતા તેના સહયોગથી સંશોધન કાર્યને વેગ મળ્યો. દેશમાં અનેક સ્થળોએ કપાસના સંશોધન કેન્દ્રો કાર્યતર થયા.

ગુજરાતમાં સુરત, કાનમ અને વાગડ વિસ્તારમાં સોળમી સદીમાં કપાસના વાવેતરનો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે ભરૂચી-૧, સુરતી-૧, ઘોઘારી જેવી જાતો પ્રચલીત હતી. એ પણ મહત્ત્વનું છે કે, દેશની પ્રથમ કાપડની મીલ ગુજરાતમાં વર્ષ ૧૮૪૩માં ભરૂચ ખાતે સ્થાપવામાં આવી હતી. એ સાથે કપાસ ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું હતું. ઈ.સ.૧૮૮૬માં બ્રિટીશર્સ દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આઝાદી પછી સન ૧૯૫૧માં સુરત ખાતેથી પ્રથમ અમેરિકન કપાસની જાત ‘દેવીરાજ’ બહાર પાડવામાં આવી.

સન ૧૯૭૧માં ગુજરાતમાં સુરત કેન્દ્ર ખાતેથી ડૉ. સી. ટી. પટેલે વિશ્વમાં સૌપ્રથમ વ્યાપારી ધોરણે વપરાતો સંકર કપાસઃ સંકર-૪ વિકસાવ્યો હતો અને ખેડૂતો માટે માન્ય કર્યો હતો. આ સંકર કપાસ ગુજરાતની દુનિયાને ભેટ છે. એ સાથે દેશમાં અને દુનિયામાં કપાસની દ્રષ્ટિએ સફેદ ક્રાંતી આવી હતી અને લંબતારી કપાસમાં દેશ આત્મનિર્ભર બન્યો. ત્યારબાદ સુરત ખાતેથી ઉત્તરોત્તર ગુજરાત કપાસ સંકર-૬, ૮, ૧૦, ૧૨ અને ૧૪ જાત ખેડૂતોને આપવામાં આવી હતી.

એક સમયે કપાસમાં જીવાતોના પ્રકોપને કારણે કપાસના ખેડૂતોને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. સુરત ખાતેથી આદિવાસી વિસ્તાર માટે ઈ.સ.૧૯૭૭માં કલમી કપાસ, ગુજરાત કપાસ-૧૦૧ આપી તે પણ દેશમાં પ્રથમ છે. દેશનો સર્વ પ્રથમ દેશી સંકર કપાસ, દેશી સંકર-૭ પણ સુરત ખાતેથી આપવામાં આવ્યો.

વર્ષ ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા બી.ટી. કપાસને માન્યતા મળી હતી. વર્ષ ૨૦૧૨માં જાહેર ક્ષેત્રની દેશની પ્રથમ એવી બે બીટી જાતો, ગુજરાત સંકર-૬, ગુજરાત કપાસ સંકર-૮ બહાર પાડવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં કુલ પાક વાવેતર પૈકી કપાસનું આશરે ૨૬થી ૨૭ ટકા વિસ્તારમાં વાવેતર થાય છે. કપાસ એ મહત્ત્વનો રોકડિયો પાક છે અને બહુવિધ ઉપયોગ સાથે અર્થવ્યસ્થા, પર્યાવરણ અને માનવજીવનમાં તેનું મહત્ત્વનું યોગદાન છે.