મોરબી પંથકમાં નવરાત્રીમાં નાટ્યકલા જીવંત રાખવાની સાથે ગૌસેવા

- text


મોરબીના રાજપર અને લજાઈમાં ગૌસેવાના લાભાર્થે નાટકો યોજાયા

રાજપરમાં રૂ.25.62 લાખ અને લજાઈમાં રૂ. 11 લાખનો ફાળો એકત્ર થયો

મોરબી : આજના આધુનિક યુગમાં નાટયકલા વિસરાઈ રહી છે ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નાટયકલા આજે પણ જીવંત રહી છે. ખાસ કરીને નવરાત્રીથી દિવાળી સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ગૌશાળાના લાભાર્થે ગામડાઓમાં ઐતિહાસિક નાટકો ભજવાય છે. જેમાં રાજપર ગામે યોજાયેલા નાટકમાં રૂ.25.62 લાખનો અને લજાઈમાં 11 લાખનો ફાળો એકત્ર થયો હતો.

મોરબીના મોટાભાગના ગામડાઓમાં ગૌશાળા ચાલે છે. આ ગૌશાળાના નિભાવ માટે વર્ષોથી નવરાત્રિથી લઈ દીપાવલીના પર્વ સુધી ગામે ગામ ઐતિહાસિક નાટકો ભજવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. નવરાત્રીમાં મોટાભાગના ગામોમાં ગાયોના ઘાસચારા માટે નાટક ભજવાય છે. નાટકો ભજવવા પાછળનો મૂળ ઉદેશ્ય ગૌસેવા છે. સાથે સાથે મનોરંજન માટે પણ નાટકો યોજાઈ છે. નાટકની સાથે હાસ્ય કોમિક યોજીને લોકોને પેટ પકડીને હસાવે છે. રા નવઘણ, પૃથ્વીરાજ ચૌહાણ, દાનેશ્વરી કર્ણ સહિતના ઐતિહાસિક નાટકો ભજવીને નવી પેઢીને એ સમય ઇતિહાસની પણ જાણકારી મળી રહે છે.

મોરબીના રાજપર ગામે ગૌસેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગૌશાળાના લાભાર્થે નાટકો યોજાય છે જેમાં આ વખતે નવરાત્રીના ત્રીજા નોરતે દાનેશ્વરી કર્ણ નામનું ઐતિહાસિક નાટક ભજવાયું હતું. સાથે હાસ્ય કોમીક દયારામનો દીકરો અને ગગુડિયાની ટીમે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા આ નાટક દ્વારા ગૌસેવા માટે 25.62 લાખનો ફાળો એકત્ર કરાયો હતો. જયારે ટંકારાના લજાઈ ગામે અમારી ગાય કદી કતલખાને ન જાયના સંકલ્પ સાથે સોહમદતબાપુ અને લજાઈ ગામ લોકો દ્વારા છેલ્લા 57 વર્ષથી નાટક યોજાઇ છે, જેમાં શનિવારે લજાઈ ગૌસેવા યુવક મંડળ દ્વારા દાનેશ્વરી કર્ણ નાટક યોજાયું હતું. સાથે હાસ્ય રસિક કોમિક ભજવવામાં આવ્યું હતું. જેમાં દાતાઓના સહકારથી આશરે 11 લાખ રૂપિયાનો ફાળો એકઠો થયો હતો.


ગૌસેવા માટે ખેડૂતો, ઉદ્યોગપતિ પણ ભજવે છે નાટકના પાત્ર

મોરબી જિલ્લામાં ગૌસેવા માટે નવરાત્રિમા નાટક યોજવાની ચાલી આવતી પરંપરામાં ગામડે રહેતા ખેડૂતથી લઈ સિરામિક ઉદ્યોગપતિ, વેપારી, શિક્ષક સહિત ઉંચા હોદા ઉપર બિરાજતા લોકો પણ ગૌશાળાના નિભાવ માટે માન મોભો સાઈડમાં રાખી નાટકના પાત્રો ભજવે છે. નોંધનીય છે કે નાટકમા ભજવાતા સ્ત્રી સહિતના તમામ પાત્રો પુરુષો જ ભજવે છે.

- text


- text