વાંકાનેરમાં વી.એ મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં ભવ્ય ‘રાસોત્સવ’ યોજાયો

- text


વાંકાનેર : તારીખ 5-10-2024 ને શનિવારના રોજ વાંકાનેર સ્થિત શ્રી વી.એ. મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં એક ભવ્ય ‘રાસોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

“ભારતીય સંસ્કૃતિ આધારિત શિક્ષણ” અને “શિક્ષણમાં ભારતીયતા”ના વિચારને અગ્રતા આપતા આ સંકુલના શિશુ મંદિર, પ્રાથમિક અને તમામ માધ્યમિક વિદ્યાલયોમાં દરેક તહેવારો અને પર્વની ઉજવણી કરવાની એક પરંપરા રહી છે. આજ પરંપરાને અનુસરતા શિશુ મંદિરથી ધોરણ 12 સુધીની તમામ વિદ્યાર્થીનીઓ માટે આ ‘રાસોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિની આરાધના સાથે ગુજરાતની ગરિમા અને અસ્મિતા સમાન ગરબાઓનું કલાત્મક પ્રદર્શન જ્યારે બહેનો દ્વારા પરંપરાગત અને આકર્ષક વસ્ત્રોમાં થયું ત્યારે અદભુત, મનોહર માહોલ સર્જાયો હતો. તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ‘શ્રેષ્ઠ ખેલૈયા’ઓના 1 થી 3 તેમજ “વેલ ડ્રેસ’ના 1 થી 3 ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સંકુલના પરિવારજનો તેમજ પધારેલા વિદ્યાર્થીઓના વાલીઓનો રાસ રહ્યો હતો. જે સૌ કોઈએ મન ભરીને માણ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી, યુવા સંગઠનના ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ રૂપારેલીયા, ટ્રસ્ટી વિનુભાઈ શાહ, કિશોરભાઈ પુજારા, કલ્પેંદુભાઈ મહેતા, દિનેશભાઈ રાવલ, પુષ્કરભાઇ ત્રિવેદી ,દામજીભાઈ પટેલ આ સૌ કોઈ ટ્રસ્ટીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહી અને આર્થિક સહયોગ આપ્યો હતો. વાંકાનેરના Dy. S.P. સારડા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ પત્રકારોએ પણ પૂરો સમય ઉપસ્થિત રહી ભરપુર સહયોગ આપ્યો હતો.

- text

આમ, શક્તિની આરાધના સાથે, પરંપરાઓને નિભાવતા અને કલાને પ્રોત્સાહન આપતા વિદ્યાભારતી સંકુલના આ પારિવારિક ‘રાસોત્સવે’સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા. સંપૂર્ણ કાર્યક્રમ બહેનો દ્વારા સંચાલિત હતો ઈનામ વિતરણ પણ બહેનોના હાથે સંપન્ન થયું હતું.

- text