મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય, રઘુરાય રણછોડજી.. : જાણો.. રાસના પ્રકારો વિશે..

- text


જુદા-જુદા પ્રદેશમાં અલગ-અલગ રીતે ગરબા લેવાતા થયા ને એમાં વિવિધ તાલ અને પગલાં લેવાતાં થયાં

મોરબી : ગરબોએ ગુજરાતના અતિ પ્રાચીન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે. તેની ઉત્પત્તિનું મૂળ દેવીપૂજા જ મનાય છે. ગરબો એ એક લોક સંસ્કૃતિ છે. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટિપ્પણી વગેરે પ્રકાર ઊભા થયા. જુદા-જુદા પ્રદેશમાં જુદી-જુદી રીતે ગરબા લેવાતા થયા ને એમાં વિવિધ તાલ અને પગલાં લેવાતાં થયાં. ગરબાના બે પ્રકાર છે: પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો. રાસના અનેક પ્રકારો છે, તેમાંથી અમુક પ્રકારની વાત કરીએ.


રાસના પ્રકારો

૧. તાળી રાસ

તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ, લાસ્ય અને વર્તુળાકારને તાલી રાસનાં મુખ્ય અંગો ગણી શકાય. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી.


૨. હુડો રાસ

મૂળભુત રીતે પાંચાળ ભુમિ તરણેતરમાં થતું એક વિશિષ્ટ નૃત્ય એટલે હુડો! કોળી, રબારી અને વિશેષરૂપે ભરવાડ સ્ત્રી-પુરુષો સામસામે બે હરોળમાં ઉભાં રહીને પગના તાલ, અંગના આંચકા અને હાથના હિલ્લોળ સાથે નૃત્યમાં જોડાય છે. ધીમી લયથી શરૂ થયેલાં આ હુડો નૃત્યની ગતિ ધીમે-ધીમે વધતી જાય છે. લોકકલાકાર સ્વ. બાબુભાઈ રાણપુરા તો આ નૃત્યની વ્યાખ્યા એમ જ કરતા કે ‘હુડો એટલે ઊડો’ – ખેલૈયાઓ જાણે ઉડતા હોય એવી ચપળતા અને જુસ્સો આ નૃત્યમાં જોવા મળે છે. અંગના વળાંક, પગના પડછંદાનો અજબ નાદ, તાલી પ્રહારનો ધ્વનિ, શરીરની હીંચભરી હિલ્લોળતા, આ બબતો રાસને લતારાસક અને તાલરાસકનો સર્વોત્તમ પ્રકાર બનાવે છે.


૩. ઢાલ-તલવાર રાસ

પોરબંદર એટલે શ્રીકૃષ્ણ સખા સદામાની નગરી તથા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ. જેમાં વસતી ખમીરવંતી જ્ઞાતિ એટલે મહેર જ્ઞાતિ. આ મહેર જ્ઞાતિના ભાઇઓ દ્વારા ઢાલ-તલવાર શૌર્ય રાસ રમવામાં આવે છે. જેનું મહત્વ એ છે કે પ્રાચીન સમયમાં મહેર ભાઈઓ યુદ્ધની તૈયારી કરવા માટે ઢાલ અને તલવારથી રાસ રમતા હતા.

- text


૪. ધમાલ નૃત્ય

ધમાલ નૃત્ય ‘મશીરાં નૃત્ય’ને નામે પણ જાણીતું છે. રાસ ન હોય તેવું એક નૃત્ય છે સીદીઓનું ધમાલ નૃત્ય. આ સીદી પ્રજા મૂળ આફ્રિકાની છે, જે ૧૬મી સદીમાં પોર્ટુગીઝોની સાથે આફ્રિકાથી આવીને અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે “જંબુર” ગામમાં વસેલાં છે.


૫. રાસડા

લોકજીવનમાં ખૂબ જાણીતા એવા રાસ અને રાસડા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે પુરુષો રાસ લે છે. (આ રાસને હલ્લીસક પણ કહે છે.) જ્યારે સ્ત્રીઓ રાસડા લે છે. રાસડા એ તાલરાસકનો પ્રકાર છે. રાસમાં નૃત્યનું તત્ત્વ આગળ પડતું હોય છે. જ્યારે રાસડામાં સંગીતનું તત્ત્વ મોખરે રહે છે. સ્ત્રીઓમાં આજે એક તાલીના અને ત્રણ તાલીના રાસડા વધુ જાણીતા છે. રાસડા એ ગરબાના જેવો જ પ્રકાર છે. રાસ અને ગરબી એ પુરુષપ્રધાન છે, જ્યારે રાસડા નારીપ્રધાન છે.


૬. ગોફગૂંથન

સોળંગા રાસ ગોફગૂંથન અથવા સોળંગા રાસ એ સૌરાષ્ટ્રના કોળી, સથવારા, ભરવાડ અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્ય એક વિશિષ્ટ પ્રકારનો મનોહર રાસ છે. પ્રારંભમાં ગરબી લઈને પછી દાંડિયારાસ ચગે છે. રાસની સાથે બેઠક ફૂદડી ને ટપ્પા લેતાં લેતાં વેલ આકારે એક અંદર ને એક બહારના ફરતાં ફરતાં રાસે રમે છે. તેની સાથે સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગૂંથાતી જાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણી ઉકેલવામાં આવે છે. દાંડિયારાસ વખતે લેવાતી ફૂદડીઓ મેર લોકોના દાંડિયારાસનું આગવું આકર્ષણ છે.


- text