મોરબીમાં બાકી મિલ્કત વેરો વસૂલવા ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ

- text


શહેરમાં નોંધાયેલા કુલ 88768 પૈકી 72,453 મિલ્કતધારકોએ વેરો ચૂકવવા તસ્દી નથી લીધી

મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકા દ્વારા શહેરીજનોને અગાઉ વ્યાજમાફી અને વર્તમાનમાં રિબેટ યોજના જેવા લાભ આપવા છતાં પણ મિલ્કતધારકો બાકી વેરો ચુકવવાની તસ્દી લેતા ન હોવાથી અંતે નગરપાલિકા દ્વારા હવે મિલ્કતધારકો સામે લાલ આંખ કરી 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા મિલ્કત ધારકોને ધડાધડ નોટિસો ફ્ટકારવાની શરૂ કરી જરૂર પડયે મોટા બાકીદારોની મિલ્કત જપ્તી સુધીના પગલાં ભરવા તૈયારીઓ શરૂ કરી છે.

મોરબી શહેરમાં નગરપાલિકાના ચોપડે 65374 રહેણાંક અને 23394 બિન રહેણાંક મિલ્કતો નોંધાયેલી છે જે મિલ્કત ધારકો પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 64.25 કરોડની વેરા વસુલાત બાકી હોય પાલિકાનું માંગણું બોલી રહ્યું છે. પાલિકા દ્વારા સપ્ટેમ્બર મહિના સુધી વેરો ભારે તેવા નિયમિત કરદાતાઓને 10 ટકા રિબેટ આપવામાં આવી છે. જેમાં પલિકામાં સપ્ટેમ્બર માસ માં જ 2.30 કરોડની આવક થઇ છે જયારે અત્યાર સુધીમાં 7.70 કરોડની વસુલાત થઇ છે. જેની સામે 10 ટકા રિબેટ યોજના અન્વયે 22.52 લાખની રિબેટ પાલિકા દ્વારા લોકોને આપવામાં આવી છે. જો કે, શહેરમાં નોંધાયેલા કુલ 88768 માંથી એપ્રિલથી અત્યાર સુધીમાં 16,315 આસામીઓ પોતાનો વેરો ભરી ગયા છે અને હજુ પણ 72,453 રહેણાંક અને બીન રહેણાંક મિલ્કત ધારકોએ વેરો ભરવા તસ્દી લીધી નથી

- text

બીજી તરફ મોરબી નગર પાલિકાને વેરા વસુલાત જ મુખ્ય આવક હોવા છતાં લોકો નિયમિત કરવેરા ભરતા ન હોવાથી પાલિકાની આર્થિક સ્થિતિને પણ ફટકો પડી રહ્યો છે ત્યારે નિયમ મુજબ વેરો નહીં ભરનાર આસામીઓ સામે ગત વર્ષે પાલિકા દ્વારા મિલ્કત જપ્તીના પગલાં ભરવાની શરૂઆત કરી હતી અને આ વર્ષ પણ પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 1 લાખથી વધુ બાકીદારો હોય તેવા 150 થી વધુ લોકોને નોટીસ આપી છે અને બાકીના બાકીદારોને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે અને હજુ વધુ વેગવંતી બનાવશે તેમ ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું


મોરબી પાલિકા 7.70 કરોડ વેરો વસુલ્યો

મોરબી શહેરમાં વસવાટ કરતા મોટાભાગના નાગરિકો વેરો ભરવાની દરકાર લેતા નથી પરંતુ એવા પણ અનેક નાગરિકો છે જે સામે ચાલીને પાલિકામાં વેરો જમા કરાવી જાય છે. નિયમિત વેરો ભરતા નાગરિકોએ પાલિકાની રિબેટ યોજનાનો લાભ પણ લીધો છે.ચાલુ વર્ષમાં છ મહિનામાં મોરબી નગર પાલિકાને ગત વર્ષ અને ચાલુ વર્ષની મળી કુલ 7.70 કરોડની વેરા વસુલાત થઇ છે.


મિલ્કતમાં નામ ટ્રાન્સફર કે નવી અરજી માટે સીટી સર્વેમાં નોંધણી ફરજીયાત

પાલિકામાં અત્યાર સુધી દસ્તાવેજના આધારે નવી એન્ટ્રી કે નામ ટ્રાન્સફર થઇ જતું પરંતુ હવે પાલિકામાં મિલ્કતમાં નામ ચડાવવું હોય કે ટ્રાન્સફર કરવું હોય તો સીટી સર્વેમાં અથવામાં ગામ નમૂના નંબર -2 માં નોંધ હશે તો જ નામ ચડાવવામાં આવશે.


- text