કોન્ટ્રાકટરના પાપે મોરબીમાં આખામાં ભૂગર્ભ ગટરની સમસ્યા, મુખ્ય કુંડી જ બુરી નાખી

- text


5 ટન જેટલી કપચી ભૂગર્ભની મુખ્ય કુંડીમાં પડી જતા કુંડી આખી બુરાઈ જતા દોઢ મહિનાથી ગટરો છલકાઈ

મોરબી : મોરબી શહેરભરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા નગરપાલિકા માટે માથાના દુઃખાવારૂપ બની છે ત્યારે શહેરભરને બાનમાં લેનારી ભૂગર્ભ ગટરની ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યા પાછળ રોડ કોન્ટ્રાકટરની બેદરકારી જવાબદાર હોવાનું ચોંકવનારું કારણ બહાર આવ્યું છે, મોરબીમાં નવા બની રહેલા પંચાસર રોડના કોન્ટ્રાકટરે પમ્પીંગ સ્ટેશનને જોડતી મુખ્ય લાઈનમાં આવેલી 35 ફૂટ ઊંડી સંપ જેવી કુંડીમાં બેદરકારી પૂર્વક 5 ટન જેટલી કપચી ઠાલવી દેતા આખા શહેરની લાઈન ચોકઅપ થઇ ગઈ હોવાનું સામે આવ્યું છે.

મોરબીના નવા બનતા પંચાસર રોડ પર પાલિકાની મુખ્ય ભૂગર્ભ લાઈન પસાર થાય છે આ મુખ્યલાઇન પંચાસર પંપીંગ સ્ટેશન સુધી જાય છે.ભૂગર્ભ ગટરની આ લાઈનમાં મોરબીના લાતી પ્લોટ, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, નવા ડેલા રોડ, નહેરુ ગેઇટથી ગ્રીન ચોક આખો વિસ્તાર, નહેરુ ગેઇટથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ, સાવસર પ્લોટ, માધાપર, ભગવતીપરા, તખ્તસિંહજી રોડ, સહિતના વિસ્તારનું ભૂગર્ભનું પાણી આ લાઈનમાં જતું હોય અહીંની મુખ્ય કુવા જેવી કુંડી બુરાઈ જતા આખા શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની અને લાતીપ્લોટ જેવા વિસ્તારમાં પાણી નિકાલની સમસ્યા ઉદભવી છે.

બીજી તરફ પંચાસર રોડ નવો બનાવવાનું કામ હાલ ચાલુ હોવાથી દોઢ મહિના પહેલા ભંભોળ વાડીના બોર્ડ પાસે 35 ફૂટ ઊંડી ભૂગર્ભ ગટરની મુખ્ય સંપ જેવી કુંડીમાં રોડના કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે 5 ટન જેટલી કપચી ભૂગર્ભની કુંડીમાં પડી જતા કુંડી આખી બુરાઈ ગઈ હતી જેંના કારણે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ઊભરાવવાની સમસ્યા ઉદભવી હોવાનું સામે આવ્યું છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા છેલ્લા એક માસથી અહીં ભૂગર્ભ બકેટ દ્વારા કપચી કાઢવામાં આવી રહી છે પરંતુ હવે બકેટ પણ અંદર પહોંચી શકે તેમ ન હોવાથી લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં હજી પણ ભૂગર્ભ ઉભરાઈ રહી છે.પરિણામે રોડ કોન્ટ્રાકટરની બેદરકારીથી અડધા મોરબીની પ્રજા ભૂગર્ભ ગટરથી પરેશાન છે.

- text


કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે, રિકવરીની કાર્યવાહી કરાશે : ચીફ ઓફિસર

મોરબીમાં ભૂગર્ભ ગટરની સંપ જેવી કુંડીમાં કોન્ક્રીટ ઠલવી દેવા મામલે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે ભૂગર્ભની મેઈન લાઈનની કુંડી કોન્ટ્રાકટરે કપચીથી બુરી દીધાની માહિતી મળતા હાલમાં કપચી કાઢવાનું શરુ કર્યું છે. 50 ટકા ઉપર કપચી કાઢી છે હજુ કુંડીમાં કપચી છે. કોન્ટ્રાકટરની બેદરકારી માટે તેમને નોટિસ પાઠવી અને ખુલાસો કરવા જણાવ્યું છે અને તેની પાસેથી રિકવરી પણ કરવામાં આવશે


- text