તાલી ત્રણ, લાગણી અનેક, રાત નવ, હરખ અનેક : માતા શક્તિની ભક્તિના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ

- text


માડી તારા આવવાના એંધાણ થયા : દેવી એ શક્તિનું રૂપ છે, જે નકરાત્મકતાનો નાશ કરે છે

ગરબા દોડીયું, સાદી પાંચ, સાદી સાત, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી, ત્રણ તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે

કૃષ્‍ણ ભગવાન વાંસળી વગાડતા અને ગોપીઓ તેમની ચારે તરફ ગોળાકાર માર્ગમાં રાસ રમતી

મોરબી : તાલી ત્રણ, લાગણી અનેક, રાત નવ, હરખ અનેક.. ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્‍સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નૃત્ય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા અદ્ભુત ગરબા કયાંય રમાતા નથી.

નવરાત્રીમાં માતા અંબાની ઉપાસના માટે ઉજવવામાં આવે છે, જેના ઘણા રૂપો છે. દેવી એ શક્તિનું રૂપ છે. જે નકરાત્મકતાનો નાશ કરે છે. શિવના પત્‍ની પાર્વતીના પણ ઘણા રૂપો છે. નવરાત્રીના નવ દિવસ દેવીને પ્રસન્‍ન કરવા માટે પૂજાપાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે.

નવરાત્રી એ અસત્‍ય પર સત્‍યના વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. નવરાત્રી, ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે, તમોગુણ, રજોગુણ અને સત્‍વગુણ, આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ-ત્રણ દિવસમાં શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતિક રૂપે વિજયાદશમી તહેવાર ઉજવવામાં આવે છે.

- text

આ તહેવાર અબાલ-વૃદ્ધ દરેક ઉમરનો તફાવત ભૂલીને હળીમળીને ઉજવે છે. આ દિવસ દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતની પરંપરા અને સંસ્‍કૃતિને માણવા માટે આવે છે. ‘‘ગરબો’’ કે ‘‘ગરબા’’ શબ્‍દ સંસ્‍કૃત શબ્‍દ ‘ગર્ભદીપ’ પરથી આવ્‍યો, જેનો અર્થ ગોળાકાર માટલું જે માનવીય શરીરમાં રહેલ આત્‍માના પ્રતિક છિદ્રોવાળું રૂપ છે.

તહેવાર, જીવનમાં આવતા સંઘર્ષનો હિંમતથી સામનો કરવાનો સંદેશ આપે છે. દુર્ગા અસત્‍ય પર સત્‍યનો વિજય અપાવે છે. સરસ્‍વતી જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરે છે. અને ‘મા’ લક્ષ્‍મી સુખ અને સમૃદ્ધિ આપે છે. પુરાણો અનુસાર કૃષ્‍ણ ભગવાન વાંસળી વગાડતા અને ગોપીઓ તેમની ચારે તરફ ગોળાકાર માર્ગમાં રાસ રમતી હતી. આ રાસ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ પ્રખ્‍યાત છે.

નવરાત્રીમાં ગરબા રમવા માટેના ઘણા પ્રકાર છે. કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન. ગરબા દોડીયું, સાદી પાંચ, સાદી સાત, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી, ત્રણ તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે. દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પૌશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે. આ નવદિવસ દરમિયાન નૃત્‍ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઇને જાય છે.

 

- text