મોરબીમાં આજથી રાસ ગરબાની રમઝટ જામશે

- text


પ્રાચીન-અર્વાચીન ગરબાના 100 જેટલા આયોજન

હાર્ટ એકેટના બનાવોને ધ્યાને લઈને એમ્બ્યુલન્સ અને મેડિકલની ટિમો ગરબા સ્થળે તૈનાત રહેશે

મોરબી : આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને, માડી મારે જોવા છે તમને રમતા રે, ગરબે ઘૂમતા રે… આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે, નવરાત્રીમાં માઁ શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવાને બદલે અર્વાચીન દાંડિયાના દુષણ ફુલ્યા ફાલ્યા છે પણ આમ છતાં મોરબીના દરેક શેરી મહોલ્લામાં મા આદ્યશક્તિની ભક્તિ કરવાનો અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પૂર્વે જ ગરબી મંડળના ચોક શણગાર સજી સજ્જ થયા છે અને શક્તિ સ્વરૂપ બાળાઓ પણ પોતાના રાસગરબાની પ્રેક્ટિસ કરી આજથી નવ દિવસ માઁ આરાસુરીની આરાધના કરશે.મોરબીમાં આ વર્ષે પ્રાચીન-અર્વાચીન રાસોત્સવના 100 જેટલા આયોજનો થયા છે.

મોરબી શહેરમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર મંગલ ભુવન ગરબી, શક્તિ ચોક ગરબી, ખોડિયાર ચોક ગરબી, નાની રાવલ શેરી, માધાપર, વજેપર, વાઘપરા, કાલિકા પ્લોટ, સનાળા રોડ, રવાપર રોડ, જુના બસસ્ટેન્ડ, પરસોતમ ચોક, સામાકાંઠે લાલબાગ, રોટરી, રીલીફનગર, વર્ધમાન સોસાયટી, રામકૃષ્ણ નગર, વિદ્યુતનગર, સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વરિયા પ્રજાપતિ ગરબી, ચામુંડા ગરબી મંડળ, , ગાંધી જવાહર ગરબી, બૌદ્ધનગર સહિતના વિસ્તારમાં પ્રાચીન ગરબીના સુંદર આયોજન થયા છે. તેમજ માં ગરબી મંડળ, પાટીદાર નવરાત્રી મહોત્સવ, ઉમિયા નવરાત્રી મહોત્સવ, શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આજે સાંજ ઢળશે અને સૂરજ ઉગશે તેવો માહોલ છવાયો છે.


મોરબીમાં બે આયોજકોએ ફાયર એનઓસી મેળવ્યા

મોરબીમાં અત્યાર સુધીમાં શહેરમાં 47 ગરબીને મંજૂરી અપાઈ છે જેમાં એ ડિવિઝનમાં 36 ગરીબીને જેમાં શક્તિ ચોક અને મંગલભુવન અને શક્તિધામ એમ ત્રણ મોટી પ્રાચીન અને પાટીદાર નવરાત્રી, ઉમિયા નવરાત્રી સહીત બે અર્વાચીન ગરબીને મંજૂરી આપવામાં આવી છે. મોરબીના બન્ને મોટા અર્વાચિન ગરબાના આયોજકોએ ફાયર સેફ્ટિનું એનઓસી લીધું હોવાનું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું


અર્વાચીન અને પ્રાચીન ગરબીઓમાં પોલીસ તૈનાત રહેશે

એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અર્વાચીન અને પ્રાચીન ગરબીઓમાં 10 પીઆઇ, 24 પીએસઆઇ સહીત 700 પોલીસ જવાનો ખડેપગે રહેશે તેમજ પેટ્રોલિંગ કરશે, આ અંગે સબંધિત પોલીસ સ્ટેશનોમાં આયોજકો સાથે મીટીંગ કરીને જાહેર રોડ ઉપર યોજાતી ગરબીને કારણે ટ્રાફિક ન થાય તેની ખાસ વ્યવસ્થા કરાઈ છે. મહિલાઓની સુરક્ષા માટે જિલ્લામાં 9 જેટલી સી ટીમ ખડેપગે રહેશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ મોટી ગરબીઓમાં ખાનગી ડ્રેસમાં ફરજ બજાવનાર હોવાનું જણાવ્યું હતું.


હાર્ટ એકેટના બનાવોને ધ્યાને લઈને એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમો તૈનાત રહેશે – કલેકટર

જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, હાર્ટ એટેકના બનાવોને ધ્યાને લઇ મોરબીમાં રવાપર પાસે અને શહેરમાં એમ સ્થળે બે 108 ખડેપગે રહેશે અને આ અંગે આરોગ્ય વિભાગ સાથે બેઠક પણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. અને ગરબીમાં કોઈ ખેલૈયાને સીવીયર એટેક આવે તો એના માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ડોકટરો સાથેની ટીમને તૈયાર રહેવા સૂચના આપી છે.


સૌથી મોટી પ્રાચીન ગરબીમાં અંગારા સહિતના 43 રાસો રમાશે

શહેરની વચ્ચોવચ ગેસ્ટહાઉસ રોડ પર શક્તિ ચોકમાં યોજાતી સૌથી મોટી અને પ્રાચીન શક્તિ ગરબી લોકોમાં દર વર્ષે આકર્ષનું કેન્દ્ર બને છે, ગરબીના આયોજક ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, સતત 41 વર્ષથી યોજાતી ગરબીમાં દર વર્ષે નવા નવા રાસો રાખવામાં આવે છે. જેમાં આ વર્ષે અંગારા રાસ, શ્યામ રાસ, અઘોરનગારા રાસ, સહિતના 43 જેટલા રાસો 90 બાળાઓ દ્વારા રમાશે. અને હાર્ટ એટેકના બનાવોને લઈને એક ડોક્ટરની ટીમ ખડેપગે રાખવામાં આવશે. અને અમે બાળાઓને સુગર ન ઘટે તે માટે એક રાસ પૂરો થયા બાદ લીંબુ અને આદુનું પાણી આપીએ છીએ, જેથી એનર્જી જળવાઈ રહે છે.


અર્વાચીન રાસોત્સવમાં એક થી વધારે એકઝીટ રખાયા

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગરબા માટે પણ એસઓપી અમલી બની છે ત્યારે મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે ગરબા સ્થળે બે એકઝીટ ગેટ રાખ્યા છે. તેમજ એક એમ્બ્યુલન્સ સાથે ડોક્ટરની ટીમ ખડેપગે રાખી છે . જયારે ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજક અનિલ વરમોરાએ જણાવ્યું હતું કે અહીં પાંચ એકઝીટ ગેટ રખાયા છે તેમજ કોઈ ખેલૈયાઓને મેડિકલ ઇમરજન્સી જરૂર પડે તો એમ્બ્યુલન્સ સાથેની ડોક્ટરની ટીમ પણ રાખવામાં આવી છે.


ફૂલોના ભાવમાં બમણો વધારો

નવરાત્રી આવતા જ ફૂલોની ડિમાન્ડ વઘી છે ત્યારે મોરબીમાં ફૂલોના વેપારીના જણાવ્યા મુજબ ગુલાબના એક કિલોના ભાવ પાંચ દિવસ પહેલા કિલોના 120 હતા તે વધીને 270 થઇ ગયા છે. જયારે ગલગોટાના 40 હતા તે વધીને 100 રૂપિયા થઇ ગયા છે અને હજી પણ વધે તેવી શક્યતા છે.

- text


મોરબી અને ટંકારાના ગામડાઓમાં ગાયોના લાભાર્થે યોજાય છે ઐતિહાસિક નાટકો

મોરબીના ભડીયાદ, રાજપર, ભરતનગર જયારે ટંકારાના વિરપર, લજાઈ, નેસડા(ખા.) સહિતના ગામોમાં નવરાત્રી દરમ્યાન ગાયોના આખા વર્ષના નિભાવ માટે ઐતિહાસિક નાટકો ભજવવામાં આવે છે . જેમાં ગામના જ શિક્ષિત યુવાનો દ્વારા જુદા જુદા પાત્રો ભજવવામાં આવે છે.


પવિત્ર યાત્રાધામ માટેલ અને શકત શનાળામાં મહા આરતી સહિતના કાર્યક્રમો  

મોરબીના શાક્ત શનાળા ગમે આવેલ શક્તિ માતાજીના મંદિરે આજે કળશ સ્થાપન કરશે અને નવરાત્રી દરમ્યાન દરરોજ સાંજે મહા આરતી, તેમજ રાત્રે ગામના લોકો બેઠા ગરબા ગાય છે, જયારે આઠમના દિવસે હવન સહિતના કાર્યક્રમો યોજાશે તેમ પૂજારી કિશનભાઇએ જણાવ્યું હતું .તેમજ પવિત્ર યાત્રાધામ માટેલ મંદિરે પણ દરરોજ સવાર – સાંજ આરતી તેમજ નવરાત્રીના નવ દિવસે પહેલા બાળાઓ ગરબે રમે છે અને ત્યારપછી માતાજીનું આખ્યાન ભજવશે.જયારે દશેરાએ માતાજીનો હવન કરવામાં આવશે તેમ પૂજારી ચેતનભાઈએ જણાવ્યું હતું


નવરાત્રિને લઈને બજારમાં ખરીદીનો માહોલ

નવરાત્રિને લઈને મોરબીની બજારમાં આજ સવારથી ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં નહેરુ ગેટ ચોક, રવાપર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાં ગરબા, ચૂંદડી, હાર, અગરબત્તી સહિતની વસ્તુ ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા


- text