સરકારી જમીન ઉપર નોનવેજના હાટડા મામલે વાંકાનેર ધારાસભ્ય સોમાણીનો ધ્રુજારો

- text


સોમનાથમા દબાણો દૂર થાય તો વાંકાનેરમા કેમ નહિ ? કલેકટર સમક્ષ ધારદાર રજુઆત

અગાઉ કરેલી ફરિયાદમાં કાર્યવાહી નથી થઈ ત્યારે વાંકાનેરમાં પાલિકાની માલિકીની જમીન તેમજ અન્ય જગ્યા પર વેચાતા નોનવેજ બાબતે તાકીદે પગલાં ભરવા માગ

વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સોમનાથની જેમ વાંકાનેરમાં પણ વર્ષો જૂના દબાણો દૂર કરવા અને પાલિકાની માલિકીની જમીન તેમજ અન્ય જગ્યા પર વેચાતા નોનવેજ બાબતે પગલાં ભરવા માગ કરી અગાઉ કરેલી ફરિયાદમા તંત્રએ પગલાં ન ભર્યા હોય સવાલો ઉઠાવ્યા હતા.

વાંકાનેર ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, વાંકાનેર શહેરમાં મીલ પ્લોટથી વીસીપરા તરફ જતાં રોડ પર વાંકાનેર પાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કોઈપણ જાતની મંજૂરી, લાઈસન્સ વગર નિયમ વિરુદ્ધ નોનવેજ આઈટમોનું વેચાણ કરવામાં આવે છે. આ વિસ્તારમાં ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ રસ્તો જાહેર માર્ગ હોય આ પ્રકારનું વેચાણ કરવું યોગ્ય નથી. તેમજ ઘણા સમયથી અનેક દબાણ કરવામાં આવ્યા છે. હાલ નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ તે વાજબી નથી.

- text

સાથે જ અગાઉ તેઓએ વાંકાનેરના પંચાસર રોડ પર આવેલી મહાદેવ સોસાયટી સામે પણ નોનવેજ આઈટમોનું વેચાણ બાબતે જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું રોષભેર જણાવ્યું હતું. આ ઉપરાંત જીતેન્દ્રભાઈ સોમાણીએ મોરબી જિલ્લા કલેક્ટરને સંબોધીને જણાવ્યું છે કે. જો ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા 100 એકરથી વધારે જમીનનું વર્ષો જૂનું દબાણ ડીમોલિશન કરી શકાતું હોય તો આપ પણ સત્તાની રૂએ વાંકાનેર શહેર મધ્યા ચાલતા આવા ગેરકાયદે નોનવેજનો વેપાર તમેજ કતલખાના બંધ કેમ ન કરી શકો ?

સાથે જ તહેવાર સમયે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે તો આ બાબતે કોઈ તાત્કાલિક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? આ બાબત ધ્યાને લઈને ત્વરીત અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્ય સોમાણીએ અંતમાં મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ માગ કરી હતી.

- text