મોરબીમાં દેશી દારૂના બે અડ્ડા ઉપર ત્રાટકતી એસએમસી, 12 પકડાયા, 8 ફરાર

- text


સ્ટેટ મોનિટરિંગ સેલે મોરબી તાલુકામાં બિયર બારની જેમ ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો, પીવા આવનારને વીણી, વીણીને ઉપાડ્યા

મોરબી : ગાંધીના ગુજરાતમાં ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબીના જેતપર હાઇવે ઉપર શાપર અને રંગપર ગામની સીમમાં સપાટો બોલાવી દેશી દારૂના બે અડ્ડા ઉપર ધોસ બોલાવી પગાર ઉપર દારૂ વેચાણ કરતા આરોપીઓની સાથે દારૂ પીવા આવનાર શખ્સોને પણ વીણી, વીણીને દબોચી લઈ દારૂના મુખ્ય ધંધાર્થીઓ તેમજ સપ્લાયર એવા આરોપીઓને ફરાર દર્શાવી કુલ 12 શખ્સને ઝડપી લીધા હતા જ્યારે 8 શખ્સને ફરાર દર્શાવી સપાટો બોલાવતા મોરબી તાલુકા પોલીસ મથકના ઝાંબાઝ ટીમની પોલ છતી થઈ છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ મોરબી જિલ્લામાં ચાલતી દારૂની પ્રવૃત્તિ ડામવા કડક કાર્યવાહી કરી ગઈકાલે બે અલગ અલગ દરોડા પાડયા હતા જેમાં પ્રથમ દરોડામાં એસએમસીએ રંગપર ગામની સીમમાં આવેલ વેગાંટો સિરામિક ફેકટરી નજીકથી દેશી દારૂનો અડ્ડો ઝડપી લઈ દારૂનું વેચાણ કરતા જીતેન્દ્ર મનુભાઈ વરાણીયા, નાનુલાલ બાબુલાલ ગિરવાલ નામના બે શખ્સને પકડી પાડી બાદમાં દારૂ પીવા આવેલ આરોપી મનસુર હુસેનભાઈ હિંગરોજા, સુશેલ અભેલભાઈ નંદને પણ પકડી લીધા હતા. એસએમસી ટીમે દારૂ વેંચતા પકડી લીધેલા બન્ને શખ્સોએ દેશી દારૂનો આ ધંધો આરોપી મનસુખ ઉર્ફે મછો રમેશ કોળી રહે.ત્રાજપર અને મનોજ કોળી રહે.ઇન્દિરાનગર વાળા કરતા હોવાની કબૂલાત આપતા એસએમસી ટીમે તમામ આરોપીઓ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર તેમજ તપાસમાં જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી 16 લીટર દારૂ, રોકડા રૂપિયા 7020, એક મોટર સાયકલ કિંમત રૂપિયા 30 હજાર અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5 હજાર મળી કુલ રૂપિયા 45,220નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- text

જ્યારે બીજા દરોડામાં એસએમસી ટીમે જેતપર હાઇવે ઉપર શાપર ગામની સીમમાં પાવડીયારી શાકમાર્કેટના પાછળના ભાગે દરોડો પાડી દારૂનું વેચાણ કરતા આરોપી સુનિલસિંગ બ્રિજેશસિંગ ઠાકુર અને સીરાજ ફારૂકભાઈ ભટ્ટીને ઝડપી લઈ દારૂ લેવા આવેલા આરોપી વિજય સિંગરઇ દોન્ગો,જીતેન્દ્ર ધર્મેન્દ્ર દોન્ગો, રમઈ દુગા દોન્ગો, જયદેવગોપ બિપિનગોપ, શૈલેશસિંગ પતરાસિંગ કુતીયા અને મનોહર સુશીલ બોદરાને ઝડપી લઈ સ્થળ ઉપરથી 220 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 44 હજાર, 8930 રૂપિયા રોકડા, બે બાઈક કિંમત રૂપિયા 60 હજાર તેમજ બે મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર, પ્લાસ્ટિકના બે મોટા ટબ, ગ્લાસ અને દેશી દારૂ ભરવાની કોથળીના પેકેટ મળી કુલ રૂપિયા 1,23,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં દારૂ વેચાણ કરતા બન્ને પગારદાર આરોપીઓએ દારૂનો આ ધંધો આરોપી તૈયબ ફારૂકભાઈ માણેક, નટો, સિકંદર તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર તેમજ તપાસમાં જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ રજીસ્ટર કરાવી હતી.

- text