જાણો.. કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી અને બારિસ્ટર તરીકે ગાંધીજીને..

આજે ૨ ઓકટોબર : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી

મોરબી : આજે તા. ૨ ઓકટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી છે. તા.૨ ઓક્ટોબર, ૧૯૬૯ થી તા.૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ સુધી પૂજ્ય બાપુની જીવનયાત્રા પ્રેરણાત્મક રહી હતી અને આજે પણ તેમનું જીવન અનેક માટે ગુરુમંત્ર સમાન છે. ત્યારે આજે કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી અને બારિસ્ટર તરીકે ગાંધીજીના વ્યક્તિત્વના પાસાંને જાણીએ.


કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે ગાંધીજી

માવજી દવે જોશીજી, એક બ્રાહ્મણ પૂજારી અને પારિવારિક મિત્ર એ ગાંધીજી અને તેમના પરિવારને સલાહ આપી હતી કે તેમણે લંડનમાં કાયદાનો અભ્યાસ કરવો જોઈએ. જુલાઇ ૧૮૮૮માં તેમની પત્ની કસ્તુરબાએ તેમના પ્રથમ પુત્ર હરિલાલને જન્મ આપ્યો હતો. ગાંધીજી પોતાની પત્ની અને પરિવારને છોડીને ઘરથી આટલે દૂર જતા રહે તે બાબતે તેમની માતા સહમત નહોતી. ગાંધીજીના કાકા તુલસીદાસે પણ તેમના ભત્રીજાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીજી જવા માંગતા હતા. પોતાની પત્ની અને માતાને સમજાવવા માટે, ગાંધીએ તેમની માતાની સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ માંસ, દારૂ અને સ્ત્રીઓથી દૂર રહેશે. ગાંધીજીના ભાઈ લક્ષ્મીદાસ, જેઓ પહેલેથી જ વકીલ હતા, તેમણે ગાંધીજીની લંડન અભ્યાસની યોજનાને વધાવી લીધી અને તેમને ટેકો આપવાની ભલામણ કરી. પુતળીબાઈએ ગાંધીજીને તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા.

૧૦ ઓગસ્ટ, ૧૮૮૮ના રોજ ૧૮ વર્ષના ગાંધીજી પોરબંદરથી મુંબઈ જવા રવાના થયા, ત્યાં પહોંચ્યા પછી, તેઓ સ્થાનિક મોઢ વાણિયા સમુદાય સાથે રહ્યા, જેમના વડીલોએ તેમને ચેતવણી આપી હતી કે ઇંગ્લેન્ડ તેમને તેમના ધર્મ સાથે સમાધાન કરવા અને પશ્ચિમી રીતે ખાવા-પીવા માટે લલચાવશે. ગાંધીજીએ તેમને તેમની માતાને આપેલા વચન અને તેમના આશીર્વાદની જાણ કરી હોવા છતાં, તેમને તેમની નાતમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ગાંધીજીએ તેની અવગણના કરી અને ૪ સપ્ટેમ્બરે તેઓ મુંબઈથી લંડન ગયા. ગાંધીજીએ લંડનની કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે ૧૮૮૮-૧૮૮૯માં હેનરી મોર્લે સાથે અંગ્રેજી સાહિત્યના વર્ગોમાં હાજરી આપી હતી.


બારિસ્ટર તરીકે ગાંધીજી

૨૨ વર્ષની વયે ગાંધીજી જૂન, ૧૮૯૧માં બારિસ્ટર થયા અને પછી લંડન છોડીને ભારત આવવા માટે રવાના થયા, ત્યારબાદ તેમને ખબર પડી કે તેઓ લંડનમાં હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું અને તેમના પરિવારે તેમનાથી આ સમાચાર છુપાવી રાખ્યા હતા. મુંબઈમાં કાયદાની પ્રેક્ટિસ સ્થાપિત કરવાના તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા કારણ કે તેઓ માનસિક રીતે સાક્ષીઓની ઊલટતપાસ કરવામાં અસમર્થ હતા. તેઓ અસીલો માટે યાચિકાઓના મુસદ્દા ઘડવા માટે રાજકોટ પાછા ફર્યા હતા.

૧૮૯૩માં કાઠિયાવાડમાં દાદા અબ્દુલ્લા નામના એક મુસ્લિમ વેપારીએ ગાંધીનો સંપર્ક સાધ્યો હતો. અબ્દુલ્લાહ દક્ષિણ આફ્રિકામાં મોટા સફળ શિપિંગ વ્યવસાયના માલિક હતા. જોહાનિસબર્ગના એમના દૂરના પિતરાઈ ભાઈને એક વકીલની જરૂર હતી અને તેઓ કાઠિયાવાડી વારસો ધરાવતા કોઈકને જ પસંદ કરવા માંગતા હતા. ગાંધીએ આ કામ માટેના તેમના પગાર વિશે પૂછપરછ કરી. તો ગાંધીજીને પગાર ઉપરાંત મુસાફરી ખર્ચની ઓફર મળી હતી. એમણે એ સ્વીકારી લીધી હતી. કારણ કે એમને ખબર હતી કે ત્યાં કમસે કમ એક વર્ષની કામગીરી તો રહશે જ.