કારમાં આગ લાગ્યા બાદ સેન્ટ્રલ લોક થઇ જતા યુવાનનુ મૃત્યુ થયાનુ પ્રાથમિક તારણ

- text


KIA કંપનીની સેલ્ટોસ કારમાં અચાનક આગ લાગી : કારમાં રહેલી રોકડ, મોબાઈલ તેમજ સોનાના દાગીના પરત કરી પ્રામાણિકતાના દર્શન કરાવતી મોરબી ફાયર ટીમ

મોરબી : મંગળવારે બપોરના સમયે મોરબીના લીલાપર રોડ ઉપર કિયા કારમાં અચાનક આગ લાગતા આ આગમાં સપડાઈ ગયેલા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે, ઘટના ઘટી ત્યારે કારનું હોર્ન ચોંટી જતા સતત હોર્ન ચાલુ રહેવાની સાથે કાર સેન્ટ્રલ લોક થઇ જવાથી આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ મૃતક યુવાનની કારમાં પાછળની સીટમાં રહેલા થેલામાં રોકડ રકમ, મોબાઈલ ઉપરાંત સોનાના દાગીના મૃતકના પરિવારજનોને પરત કરી ફરજનિષ્ઠ મોરબી ફાયર ટીમે પ્રામાણિકતા દાખવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામની નજીક જ મંગળવારે બપોરના સમયે કિયા સેલટોસ કારમાં આગ લાગી હતી અને કાર સેન્ટ્રલ લોક થઇ જતા કારમાં બેઠેલા અજયભાઈ નાનજીભાઈ ગોપાણી ઉ.39 નામના યુવાન કારમાંથી બહાર ન નીકળી શકતા આગમાં જીવતા ભડથું થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ તત્કાલ બનાવ સ્થળે દોડી આવી કાર ઉપર ફોમ અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. નોંધનીય છે કે, કારમાં આગ બુઝાવી તે સમયે પણ કારનું હોર્ન સતત વાગતું રહ્યું હતું.

- text

બીજી તરફ આગની આ ઘટનામાં મૃતક અજયભાઈ નાનજીભાઈ ગોપાણીએ કારમાંથી બહાર નીકળવા પ્રયાસો કર્યા હતા પરંતુ કાર સેન્ટ્રલ લોક થઇ ગઈ હોવાથી તેઓ બહાર નીકળી શક્યા ન હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે, કારમાં લાગેલી આગ બુઝાવ્યા બાદ કારની પાછળની સીટમાંથી પડેલા થેલામાંથી રહેલા એક પિસ્તોલ, રોકડ રકમ, 2 ઘડિયાળ, મોબાઈલ, સોનાની વીંટી અને ચેન સહિતની નાની-મોટી કિંમતી ચીજવસ્તુઓ પોલીસની હાજરીમાં મૃતકના પિતરાઈ ભાઈને સોંપી આપવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- text