નવરાત્રિ તહેવારને લઈ મોરબી જિલ્લા પોલીસ સજ્જ, 700 જેટલા પોલીસ જવાનો ચાંપતો બંદોબસ્ત રાખશે

- text


મહિલા અને બાળકોની સુરક્ષા માટે 9 જેટલી શી ટીમ ખાનગી રીતે વોચ રાખશે

મોરબી : બે દિવસ બાદ મોરબી જિલ્લામાં નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. મોરબી જિલ્લામાં ઠેર ઠેર અર્વાચીન અને પ્રાચીન ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે નવરાત્રિ મહોત્સવને લઈને મોરબી જિલ્લા પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બંદોબસ્ત વિશે માહિતી આપી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિ મહોત્સવ યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગરબાના જ્યાં મોટા આયોજનો થઈ રહ્યા છે તેના આયોજકો સાથે મીટીંગ કરવામાં આવી છે. આયોજકોને સરકારી ગાઈડલાઈન, જોગવાઈઓ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે વિશે સમજ આપવામાં આવી છે અને ગાઈડલાઈનનું કડક પાલન થાય તે વિશે જાણકારી આપવામાં આવી છે.

- text

નવરાત્રિ મહોત્સવમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા મોરબી પોલીસ માટે ખૂબ જ અગત્યની છે. તેના માટે શેરી ગરબા અને કોમર્શિયલ ગરબા આમ તમામ જગ્યાએ નજીકના પોલીસ સ્ટેશનની શી ટીમને જવાબદારી આપવામાં આવી છે. આ શી ટીમ સતત પેટ્રોલિંગમાં રહીને મહિલાઓ અને બાળકોને કોઈ તકલીફ ના પડે તેની તકેદારી રાખશે. જ્યાં વધુ લોકોની અવર જવર રહેવાની છે ત્યાં સીસીટીવી લગાવવા પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પણ મોનિટરિંગ કરવામાં આવશે. સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પણ મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓને વોચ પર રાખવામાં આવશે.

રાહુલ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું કે, કૂલ 9 જેટલી શી ટીમ અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને ખાનગી રીતે વોચ રાખશે. સાંજના સમયે અવર જવર વધુ હોય ત્યારે ટ્રાફિકની ટીમના વધુ જવાનો પણ રાખવામાં આવશે જેથી રસ્તા પર ટ્રાફિક ન થાય. સમગ્ર નવરાત્રિ તહેવાર દરમિયાન 10 જેટલા પીઆઈ, 24 જેટલા પીએસઆઈ, 300 જેટલા પોલીસ કર્મીઓ, અન્ય 350 જેટલો સ્ટાફ એમ મળીને કૂલ 700 પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાશે. પોલીસ વડાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને મદદની જરૂર પડે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય તેવી તકેદારી રાખે,

- text