લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન મામલે તાત્કાલિક વળતર ચુકવવા ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

- text


ઓછું વળતર, પોલીસ સાથે થતું ઘર્ષણ અને કંપનીની દાદાગીરીથી ખેડૂતોમાં રોષ

મોરબી : પાવર ગ્રીડ કોર્પોરેશન RE દ્વારા 765 કેવી ડબલ સર્કિટ લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ કાર્ય બાબતે મોરબી જિલ્લાના હળવદ અને માળિયા (મિયાણા) તાલુકાના 17 ગામના ખેડૂતોએ આજ રોજ કલેક્ટરને મળીને તાત્કાલિક ધોરણે વળતર ચુકવી દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ધુળકોટના ખેડૂત કાનભા જાડેજાએ જણાવ્યું હતું કે, 1003નો જીઆર અને 30 ટકા કોરિડોરનું વળતર 18 સપ્ટેમ્બર સુધીમાં રિલીઝ કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજું સુધી અમને કોઈ જીઆર મળ્યો નથી. તેથી તાત્કાલિક ધોરણે અમને જીઆર આપી દેવામાં આવે. તેથી કલેક્ટરને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક જીઆર રિલીઝ કરી દેવામાં આવે જેથી ખેડૂતોને નુકસાન ન થાય.

- text

ખેડૂતોએ વધુમાં રજૂઆતમાં જણાવ્યું છે કે, વીજ લાઈનના નિર્માણ કાર્યની મંજૂરી વિના તેઓના ખેતરમાં પોલીસ બળના ઓર્ડરથી થાંભલા નાખવાનું કામ ચાલુ થવાનું છે. ત્યારે હાલ ચોમાસા દરમિયાન કોઈ ખેતરમાં કામ ન થાય, યોગ્ય સુધારા હુકમ વળતરની રકમ અંગેનો ચુકવવાનો ઓર્ડર કરવામાં આવે, યોગ્ય કમિટીની રચના કરી વળતરની રકમ નક્કી કરવામાં આવે. ખેડૂતોને વળતરનું લેખિત લખી આપવામાં આવે, ખેડૂતો સાથે દાદાગીરી અને દમનગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે, વળતર અંગે સર્વે કરાવવામાં આવે, હાલના જીઆર મુજબ વળતર ચુકવવામાં આવે, જ્યાં સુધી કલેક્ટર દ્વારા યોગ્ય ઓર્ડર જાહેર ના થાય ત્યાં સુધી કામ બંધ રાખવામાં આવે સહિતની માગ કરાઈ છે. સાથે જ સરકાર દ્વારા કરવામાં આવેલો ઓર્ડર ફક્ત ને ફક્ત પાવર ગ્રીડ કંપનીના તરફેણમાં કરવામાં આવ્યો હોય તેમ ખેડૂતોને લાગી રહ્યું છે. તેથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે. જો ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહીં આવે અને ખેડૂતો સાથે દાદાગીરી કરી ખેતરમાં કામ કરવામાં આવશે તો ખેડૂતો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.

- text