આવારા તત્ત્વોને ડામવા છાત્રાલય રોડ પર મોરબી પોલીસ સી ટીમ દ્વારા ડ્રાઈવ યોજાઈ

- text


ડ્રાઈવ દરમ્યાન વિદ્યાર્થિનીઓને સલામતી માટે સૂચનો આપવામાં આવ્યા

મોરબી : મોરબીમાં આવારા તત્વોને ડામવા તેમજ આગામી દિવસોમાં નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે છાત્રાલય રોડ પર મોરબી પોલીસ સી ટીમ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમ્યાન વિદ્યાર્થિનીઓને પણ કેટલીક વાતની સુચનાઓ પણ આપવામાં આવી હતી.

આ દરમ્યાન મોરબી પોલીસ સી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે, મોરબી પોલીસ સી ટીમ દ્વારા શહેરના છાત્રાલય રોડ, નવું બસ સ્ટેશન, સુપર માર્કેટ વગેરે જગ્યાના કિસ્સાઓ આવતા હોય છે તે અનુસંધાને જાહેર જનતા અને વિદ્યાર્થીનીઓના હિતમાં સ્પીકરની મદદથી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તહેવાર દરમ્યાન તેમજ ખાસ કરીને અભ્યાસ માટે આવતી વિદ્યાર્થિનીઓ સાથે છેડતીના બનાવ ન બને તે માટે એકાંતમાં ક્યાંય અવાવરું સ્થાને ન જવા, તથા ગ્રુપમાં જવા જેવી સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ અભ્યાસ પૂર્ણ થયા પછી બિનજરૂરી કોઈ સ્થાને બેસવા, એકાંતની જગ્યાએ ઉભા ન રહેવા, કામ પૂર્ણ થાય સમયસર બસમાં પરત ફરવા સૂચવવામાં આવ્યું હતું. જેથી છેડતી જેવી ઘટનાઓ ન બને.

- text

આ દરમ્યાન વાલીઓને પણ સંદેશો આપવામાં આવ્યો હતો કે, તેમના બાળકોને કોઈ પણ બનાવ બનતાની સૂચના આપે તથા બાળકો સાથે કોઈ બનાવ બને તો ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરે. ખાસ કરીને નવરાત્રી અને દિવાળીમાં લોકો ખરીદી કરવા કે ગરબા રમવા જાય ત્યારે તેમને કોઈ તકલીફ ન પડે એ માટે સી ટીમ કાર્યરત રહેશે. ઉપરાંત આવી કોઈ ઘટના ધ્યાનમાં આવે તો 181, 100, 112 હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. તથા કોઈ અજાણ્યો ફોન કે વીડિયો મારફતે પરેશાન કરે તો સાઇબર હેલ્પલાઇનનો ઉપયોગ કરે. તેમજ નવરાત્રી દરમ્યાન પોતાનું લોકેશન અને મિત્રોના કોન્ટેક્ટ વાલીઓ સાથે શેર કરવા સૂચન આપવામાં આવ્યું છે.

- text