પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને તિલક કરીને જ પ્રવેશ, 21 શહિદોને સ્ટેજ ઉપર બોલાવી સહાય અપાશે

- text


શહીદ પરિવારોને રૂ.1-1 લાખના ચેક અપાશે, નફામાંથી 50 ટકા રકમ પાટીદાર કેરિયર એકેડમિમાં અપાશે : 25 વિઘા જેટલી વિશાળ જગ્યામાં સુરક્ષિત વાતાવરણ સાથેનું ભવ્ય આયોજન : આયોજક અજય લોરીયાએ જાહેર કરી વિગતો

મોરબી : મોરબીના આંગણે પાટીદાર નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત આ આયોજનના નફાની તમામ રકમ સેવાકાર્યોમાં વપરાશે તેવું આયોજક અજય લોરીયાએ જાહેર કર્યું છે.

અજય લોરીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે.

21થી વધુ શહીદોના પરિવારોનું સ્ટેજ ઉપર સન્માન કરીને રૂ. 1-1 લાખનો ચેક આપવામાં આવશે. આ શહીદના પરિવારો માટે આવવા, જવા તેમજ રોકાવા સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. નફાની બાકીની 50 ટકા રકમ પાટીદાર કેરિએર એકેડમીને ફાળવવામાં આવશે.

આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને તિલક કરીને જ એન્ટ્રી આપવામાં આવશે. બન્ને એન્ટ્રી ગેટ ઉપર જ 11- 11 ભૂદેવો હશે. જેઓ તિલક કરશે. ખેલૈયાઓએ આઇડી સાથે રાખવાનું રહેશે. જે આયોજકો તથા બાઉન્સર દ્વારા ગમે ત્યારે ચેક કરવામાં આવશે.

25 વિઘા રામેશ્વર ગ્રાઉન્ડ અને પરમેશ્વર ગ્રાઉન્ડ ઉપર સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમને સ્પોન્સરશીપ આપી છે એમને નવરાત્રી ગ્રાઉન્ડ અને તેની બાજુમાં વીઆઇપી કાર પાર્કિંગના પાસ આપવામાં આવ્યા છે. જ્યારે જનરલ પાર્કિંગ ન્યુ એરા સ્કૂલ તરફનો ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ છે. ત્યાં ઉપરાંત તેનાથી આગળ રવાપર રેસિડેન્સીની બાજુમાં પણ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

નાના બાળકો માટે હીંચકા, લપસીયા સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે. આ આયોજનમાં માધવ સિક્યુરિટી સુરક્ષા પુરી પાડશે. આ વખતે ખાસ પંજાબના બાઉન્સરો પણ તેમના દ્વારા રાખવામાં આવશે. અંતમાં તેઓએ કહ્યું કે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનની 150 વ્યક્તિની ટિમ સતત ખડેપગે છે. આ નવરાત્રી મહોત્સવમાં પાટીદાર બહેનો તથા તમામ સમાજની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે.

- text